શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (10:10 IST)

અમદાવાદમાં બોગસ કંપની અને માણસો ઊભા કરી ક્રેડિટ કાર્ડથી એક્સિસ બેંક સાથે 1 કરોડની ઠગાઈ

Fraud
બોગસ કંપનીઓ ખોલી કર્મચારીઓના નામે એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડ મેળવી એક કરોડથી વધુની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે, જેમાં સંડોવાયેલા 13 પૈકી સાતની ધરપકડ કરવામાં આવી છે. ઠગ ટોળકીએ બોગસ કંપનીઓ થકી કર્મચારીઓનાં એક્સિસ બેંકમાં ખાતાં ખોલાવ્યાં હતાં અને તેમની સેલરી જમા કરાવી તે રકમ પાછી મેળવી ક્રેડિટ કાર્ડ બનાવી અલગ અલગ સ્થળે ટ્રાન્ઝેક્શન કરી બેંકના એક કરોડથી વધુ રૂપિયા ઠગી લીધા હતા.

એક્સિસ બેંકના ફ્રોડ કન્ટ્રોલ યુનિટના મેનેજર મોહંમદ ઈમ્તિયાઝ મુન્શીએ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, મેડિક લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજર નિખિલ રમેશભાઈ પટેલ, ડિરેક્ટર મધુસૂદન જશુભાઈ પટેલ, મનીષાબેન મધુસૂદન પટેલે તેમની કંપનીના કર્મચારીઓના ખોટા પુરાવા બેંકમાં રજૂ કરીને 165 સેલરી એકાઉન્ટ ખોલાવ્યાં હતાં, જેમાં પગાર જમા કરાવી પાછાં ઉપાડી લઈ ક્રેડિટ કાર્ડ બનાવ્યાં હતાં.તેમાંથી 120 ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ. 86,99,975 ઉપાડી વાપરી નાખ્યા હતા. એ જ રીતે મેડિઓનસ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ, જાયન્ટ સિક્યોર સોલ્યુશન, ગ્રીન ગ્રોફર્સ, ધનલક્ષ્મી સુપર માર્કેટ, ફ્રેશ ઓર્ગેનિક ટ્રેડિંગ, શ્રી ગ્રોસરી સ્ટોર્સ વગેરે કંપનીના સંચાલકોએ પણ કાર્ડ સ્વાઇપ કરીને મોટી રકમની ઉચાપત કરી લીધી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં 13 વ્યક્તિ સામે રૂ. 1,13,72,463ની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ આદરી આરોપીઓ પૈકી નિખિલ પટેલ, ગૌરવ પટેલ, જયેશ મકવાણા, પ્રતીક પરમાર, જિગર પંચાલ, ચિમન ડાભી અને પાર્થ પટેલની ધરપકડ કરી છે. જ્યારે અન્યોની શોધખોળ શરૂ કરી છે.જે લોકોના નામે ક્રેડિટ કાર્ડ હતાં તેમની તપાસ કરતા મોટા ભાગના લોકો અશિક્ષિત હોવાનું અને તેમનું કોઈ પણ બેન્કમાં ખાતું ન હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓએ યેનકેન પ્રકારે તેમના દસ્તાવેજો મે‌‌‌‌ળવી તેમને કર્મચારી બતાવી ખાતાં ખોલી છેતરપિંડી આચરી હતી.​​​​​​​મોટા ભાગની કંપનીઓએ તેમને ત્યાં મોટા હોદ્દા ધરાવતા લોકોની યાદી બેંકમાં આપી તેમને મોટી રકમનો પગાર ચૂકવતા હોવાનું બતાવી સેલરી એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. ત્યાર બાદ એક-બે વખત સેલરી જમા કરાવી વિશ્વાસ કેળવી તે રકમ ઉપાડી ક્રેડિટકાર્ડ સ્વાઇપ કરી ઠગાઈ આચરી હતી.