અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત અપક્ષો અને અન્ય મળી કુલ 1704 ફોર્મ ભરાયાં
સોમવારે ફોર્મ ચકાસણીના અંતે 907 ફોર્મ રદ થતાં હવે 797 માન્ય રહ્યા હતાં
અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત અપક્ષો અને અન્ય મળી કુલ 1704 ફોર્મ ભરાયાં હતાં. સોમવારે ફોર્મ ચકાસણીના અંતે 907 ફોર્મ રદ થતાં હવે 797 માન્ય રહ્યા છે. ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ઉમેદવારો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે. ત્યાર બાદ મહાનગર પાલિકાની ચૂંટણીના કુલ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવશે.
બુથ વાઈઝ EVMની ફાળવણી કરી પ્રિસાઇડિંગ ઓફિસરને કામગીરી સોંપાશે
ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચવાની કામગીરી બાદ બેલેટ પેપર તૈયાર કરવાની કામગીરી કરવામાં આવશે. અપક્ષ ઉમેદવારો ને ચિહ્ન આપવાની કામગીરી ઉપરાંત બુથ વાઈઝ EVMની ફાળવણી કરી પ્રિસાઇડિંગ ઓફિસરને કામગીરી સોંપવામાં આવશે. અમદાવાદમાં એકપણ ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચે તેવી શકયતા જણાય છે.
આજે એકપણ ઉમેદવાર ફોર્મ પરત નહિ ખેંચે તો 815 ઉમેદવાર અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવશે.
આજે ઘણા અપક્ષ ઉમેદવાર ફોર્મ પરત ખેંચશે તેવી અટકળો વર્તાઈ રહી છે. જેની સીધી અસર કોર્પોરેશનની ચૂંટણી પર થાય તેમ છે.
ભાજપના 3 ઉમેદવારના બાકી પ્રોફેશનલ ટેક્સ સામેની વાંધા અરજી ફગાવી દેવાઈ
શહેરના શાહપુર વોર્ડમાં ભાજપના 3 ઉમેદવારોએ પ્રોફેશનલ ટેક્સ નહી ભર્યો હોવાની તેમજ તેમણે આ હકીકત તેમની ઓફિડેવિટમાં છૂપાવી હોવાથી તેમના ફોર્મ રદ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. તેમના એડવોકેટ સાદિક શેખ અને સંદિપ ક્રિષ્ટી દ્વારા અરજી સાથે ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચતાં ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ કર્યું હતુંકે, અરજી સ્વીકારવાનો સમય બપોરે 2 વાગ્યા સુધીનો જ હતો. તમે મોડા પડ્યા છો. અધિકારીએ એફિડેવિટમાં ઉમેદવારોએ પ્રોપર્ટી ટેક્સ ભર્યો હોવાનો ઉલ્લેખ કર્યાની પણ સ્પષ્ટતા કરી હતી.
એફિડેવિટમાં કેટલાકે ગુનાઈત રેકોર્ડ અને સંપત્તિની બજાર કિંમત પણ છુપાવી
કોર્પોરેશનની ચૂંટણીમાં કેટલાક ઉમેદવારોએ એફિડેવિટમાં ગુનાની હકીકત અને સંપત્તિની બજાર કિંમત દર્શાવી નથી. ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ કોઇ પણ ઉમેદવારો હકીકત છુપાવે તો ફોર્મ રદ થાય. પરંતુ કેટલાકે તો ફોર્મમાં પૂરતી વિગતો આપી નથી. જેના લીધે ગુના અંગેની સાચી માહિતી પ્રજા સુધી પહોંચી શકવાની નથી. આ ઉપરાંત કેટલાક ઉમેદવારોએ સંપતિની બજાર કિંમત દર્શાવી નથી. જે હોવી ખૂબ જ જરૂરી છે.
ધારાસભ્ય ખેડાવાલાએ પ્રદેશ પ્રમુખને રાજીનામું ધરી દીધું
કોંગ્રેસના ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની હાજરીમાં તેમના વિધાનસભા વિસ્તારમાં આવતા બહેરામપુરા વોર્ડમાં 4 ઉમેદવાર નક્કી થતાં તેમણે ઉમેદવારીપત્રક ભરી નાખ્યા હતા. આ પછી કોંગ્રેસે વધુ બે ઉમેદવારને મેન્ડેટ આપતા તેમણે પણ ફોર્મ ભર્યાં હતાં. આથી નારાજ ખેડાવાલાએ ધારાસભ્ય તરીકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપી દીધું હતું. જોકે ચાવડાએ તેમને યોગ્ય કરવાની ખાતરી આપી છે, જો યોગ્ય નહીં થાય તો વિધાનસભા અધ્યક્ષને પણ રાજીનામું આપવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે.
સૂત્રોએ જણાવ્યું કે, ખેડાવાલાની હાજરીમાં બહેરામપુરામાં કમરુદ્દીન પઠાણ, તસ્લીમ આલમ તીરમીજી, કમળા ચાવડા, નાઝીમા રંગરેજની ઉમેદવારી નક્કી થતાં તેમને મેન્ડેટ અપાયા હતા, જેને આધારે તેમણે શનિવારે ઉમેદવારીપત્રક ભર્યાં હતાં. આ પછી એકાએક બીજા બે રફીક શેઠજી, શાહજાબાનુ અંસાલીને ઉમેદવારીપત્રક ભર્યું હતું. એક વોર્ડમાં 4ને બદલે 6 ઉમેદવારે ફોર્મ ભર્યું હોવાથી ખેડાવાલાએ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને પક્ષને પાછળથી નક્કી કરાયેલા 2 ઉમેદવારને રદ કરવાની માગ કરી હતી.