Surat News - સુરતમાં બે સગી બહેનોના મોત થવાથી પરિવાર પર આભ તૂટ્યુ
બે સગી બહેનોના ડૂબી જતા મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. હજીરા સ્થિત નંદ નિકેતન ટાઉનશીપમાં આ દુર્ઘટના ઘટી છે. AMNS કંપનીની ટાઉનશિપમાં બનેલી આ દુર્ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ટાઉનશિપના તળાવમાં આ બહેનો ડૂબી જતાં મોતને ભેટી હતી. મૃતકોમાં એક બહેન 6 વર્ષની હતી અને બીજી બહેન 9 વર્ષની હતી. કંઈ રીતે બાળકીઓ તળાવમાં ડૂબી તેનું કારણ અકબંધ છે.
આ બનાવ અંગેની મળતી વિગત મુજબ ઘટનામાં છ વર્ષની રેણુપ્રિયા મહેન્દ્ર વેરાઈદમ અને નવ વર્ષની કીગુલવેની મહેન્દ્ર વેલાઈદમનું તળાવમાં ડૂબી જતા મોતને ભેટી છે. બંને બાળકી ઘર નજીક રમવા ગઈ હતી ત્યારબાદ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવાર દ્વારા બંનેની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે શોધખોળ બાદ બંને બાળાઓ AMNS કંપનીના ટાઉનશીપમાં આવેલ તળાવમાંથી મળી આવી હતી. પરિવાર અને ટાઉનશીપના સ્થાનિકો દ્વારા બંને બાળાઓને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ બંને બાળાઓને મૃત જાહેર કરી હતી
સૂત્રોના જણાવ્યા મુજબ બાળકીના પિતા હજીરામાં આવેલ AMNS કંપનીમાં નોકરી કરે છે અને પત્ની બે બાળકી સાથે કંપનીના ટાઉનશિપમાં જ ઘણા વર્ષોથી રહે છે. બંને બાળકી બે દિવસ પહેલા જ તમિલનાડુથી સુરત આવી હતી. ત્યારે પરિવારની બંને દીકરી એક સાથે મોતને ભેટતા પરિવાર સહિત ટાઉનશીપના સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે બંને બાળકીના મૃતદેહનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.