સુરતમાં 5 વર્ષીય દીકરીની હત્યારી માતાનું જેલમાં મોત, હવે સિવિલમાં પેનલ પોસ્ટમોર્ટમ
સુરતના વેડ દરવાજા વિસ્તારમાં પાંચ વર્ષીય પુત્રીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનારી માતા લાજપોર જેલમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોતને ભેટી હતી. પુત્રીની હત્યાના 20 દિવસમાં જ હત્યારી માતાનું પણ સજા દરમિયાન મોત થયું છે. કાચા કામના કેદી તરીકે કારાવાસ ભોગવતી માતાને પ્રથમ જેલની હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાઈ હતી. હાલ પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવશે. વેડ દરવાજા ફટાકડાવાડીમાં આવેલી રાજીવનગર વસાહતમાં રહેતી બિલકિશબાનું અબ્દુલ ગની કમાણી પોતાની પાંચ વર્ષીય પુત્રીની હત્યાના ગુનામાં ગત તા.29 એપ્રિલ, 2023થી લાજપોર જેલમાં કેદ હતી. આ દરમિયાન કાચા કામના કેદી તરીકે કારાવાસ ભોગવતી બિલકિશબાનુને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયો હતો.બિલકિશબાનુની તબિયત બગડી હોવાની જાણ થતા જેલના અધિકારીઓએ તાત્કાલિક દોડી જઈ તેણીને જેલના દવાખાનામાં સારવાર કરાવી સિવિલમાં ખસેડી હતી.
પરંતુ સિવિલમાં સારવાર મળે તે પહેલા બિલકિશબાનુનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, હાલ બિલકિશબાનુના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. ફોરેન્સિક વિભાગના તબીબો પાસે પેનલમાં પોસ્ટમોર્ટમ કરાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પીએમ પછી જ મોતનું સાચુ કારણ જાણી શકાશે. સુરત ચોકબજાર પોલીસ મથકના વિસ્તારમાં આવેલી ફટાકડાવાડીમાં રહેતા એક શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય દિવ્યાંગ બાળકીની સાંજના સમયે મોત બાદ હત્યા અને દુષ્કર્મની આશંકાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી. બાળકીના શરીર અને ગુપ્તા ભાગે થયેલી ઈજાઓને આધારે શરૂઆતમાં પોલીસ તેમજ નવી સિવિલ હોસ્પિટલના ડોકટરો પણ હત્યાની સાથે બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યાં હતા. જો કે, બાળકીના મૃતદેહનો પીએમ થયા બાદ તેમજ પોલીસ દ્વારા કરાયેલી તપાસ પછી ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેમાં બાળકી સાથે દુષ્કર્મ નહીં પણ તેની જ માતાએ ગુસ્સામાં આવીને માસૂમને જમીન ઉપર પછાડીને મારી નાખી હતી.