ભારતના ૧૧ મા રાષ્ટ્રપતિ અને આજીવન નવી શોધોને આવકારનારા ડૉ.એ.પી..જે. અબ્દુલ ક્લામ ને યાદ કરતાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું કે, વર્ષ-૨૦૦૮થી શરૂ થયેલા ડૉ.એ.પી..જે. અબ્દુલ ક્લામ ઇગ્નાઇટ એવોર્ડ માટે આ વર્ષે યુનિયન ટેરેટરી સહિત દેશભરમાંથી ૬૫ હજાર જેટલા વિદ્યાર્થીઓએ પોતાના નવા વિચારો-શોધોને રજૂ કરવા નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનને અરજી મોકલી હતી જેમાંથી ૫૭૬ જિલ્લાઓના કુલ ૫૬ વિજેતાઓને પુરસ્કાર આપતાં હું ગર્વ અનુભવું છું. કલામના નામ સાથે જોડાયેલા આ એવોર્ડ ફંક્શનમાં જોડાવા બદલ ધન્યવાદ પ્રસ્તુત કરતાં તેઓએ જણાવ્યું કે, નાના બાળકોનો વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ અને અવનવી શોધોથી હું ચકિત થયો છું. તેઓની આ શોધો અને નવા આઇડિયાને આઇઆઇટી અને એનઆઇડી જેવી દિગ્ગજ શૈક્ષણિક સંસ્થાઓએ પણ પ્રોત્સાહિત કરવા જોઇએ. અહિં પ્રસ્તુત ઘણાં વિચારો તો એવા છે જે લોકોનું જીવન વધુ સરળ બનાવે.
વિદ્યાર્થીઓના નવોત્થાનથી વિશેષ પ્રભાવિત થતાં પ્રણવ મુખર્જીએ કહ્યું કે, બાળકોની શોધ લોકો માટે ખૂબ લાભદાયી બની રહેશે.ઘણાં આઇડિયા માટે જોખમ પણ ખેડવુ પડતું હોય છે. ભૂલો થાય છે તો સામે શીખવા પણ મળે છે. આમ જ બાળકોના વૈજ્ઞાનિક માનસનો વિકાસ થાય છે. આ બાબતે હની બી નેટવર્કના ઉમદા કાર્યને તેઓએ બિરદાવ્યું હતું.
આ પ્રસંગે જ્ઞાન થકી પોતાની આગવી ઓળખ બનાવનારા નવસંશોધકોને પ્રોત્સાહિત કરતાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય નવ પ્રવર્તન પ્રતિષ્ઠાન દેશભરના બાળકોમાં વિજ્ઞાન, નવી શોધ, નવા વિચારો અને જીવન જરૂરી પ્રવર્તમાન વસ્તુઓમાં જ કંઇક વધુ સગવડ ઉમેરવા હંમેશા પ્રોત્સાહિત કરે છે. અહીં ૫૬ વિદ્યાર્થીઓ દ્વારા અદભુત કહી શકાય તેવી ૨૯ કૃતિઓ અમે નિહાળી. જે દરેક તેના સ્થાને ઉત્તમ કહી શકાય. દરેક વિજેતા વિદ્યાર્થીઓને તેમણે જણાવ્યું કે તમે આજીવન તમારી જિજ્ઞાસાવૃત્તિને પોષતા રહેજો. કોહલીએ ઉપસ્થિત વાલીઓ તથા શિક્ષકોને જણાવ્યું કે તેઓ તેમના બાળકોના નવા વિચારોને પ્રોત્સાહિત કરે તથા વિદ્યાર્થીઓ તેની સાથે અભ્યાસ કરતાં આર્થિક નબળાં વિદ્યાર્થીઓને મદદરૂપ બને. સૌને આગળ આવવાની તક મળવી જોઇએ.
નેશનલ ઇનોવેટીવ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી અનિલ ગુપ્તાએ જણાવ્યું કે, ૬૫ હજાર એન્ટ્રીમાંથી શ્રેષ્ઠ ૨૯ કૃતિઓને પસંદ કરવી કપરી કામગીરી હતી. જેમાં સંસ્થાએ સર્જનશીલતાની સાથે સંવેદનશીલતાને પણ ધ્યાને રાખી છે. એવા વિચારોને પણ આવકાર્યા છે જે નવા વિચારોનું બીજ રોપણ કરે. આ બધા જ વિદ્યાર્થીઓ દેશના વિજ્ઞાનનું ઉજ્જવળ ભવિષ્ય છે. આ પસંગે પૂર્વ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા વિજેતાઓને એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં.