રાજકોટમાં ચાર દિવસથી ધરણાં પર બેઠેલા વિદ્યુત સહાયકની ભરતીના ઉમેદવારોની અટકાયત
- NSUIના પ્રદેશ પ્રમુખ સહિતનાં કાર્યકરો તેમજ ઉમેદવારોને ટીંગાટોળી
-5 દિવસથી 300 યુવાનો આંદોલનનો માર્ગ
-કોંગ્રેસે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો
આજે આંદોલનના પાંચમાં દિવસે પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો. ધરણાની મંજૂરી લીધી નથી, તમે હવે અહીં બેસી નહીં શકો કહી NSUIના પ્રદેશ પ્રમુખ સહિતનાં કાર્યકરો તેમજ ઉમેદવારોને ટીંગાટોળી કરી પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. તમામ ઉમેદવારોને એક પછી એક પકડીને પોલીસ બસમાં બેસાડી દીધા હતાં. વિદ્યુત સહાયકની ભરતીને લઇ છેલ્લા 5 દિવસથી 300 યુવાનો આંદોલનનો માર્ગ અપનાવી PGVCL કચેરી બહાર ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
શ્રીરામના ફોટાવાળું પોસ્ટર દર્શાવી વિરોધ નોંધાવ્યો
આજે NSUIની સાથે કોંગ્રેસના નેતાઓ ધરણામાં જોડાયા હતા અને ભગવાન રામના ફોટા દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો અને ભગવાન શ્રીરામ પાસે ન્યાયની માંગ કરી હતી.રાજકોટના નાના મવા રોડ પર આવેલ PGVCLની કચેરી ખાતે NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને યુથ કોંગ્રેસના પ્રદેશ અગ્રણી રાજદીપસિંહ જાડેજાએ હાથમાં ભગવાન શ્રીરામના ફોટાવાળું પોસ્ટર દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી માગ કરી હતી. આજે ધરણા દરમિયાન વિદ્યાર્થીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, સતત પાંચ દિવસથી વિદ્યાર્થીઓ GSO-4 મુજબ ભરતી કરવા સૂત્રોચ્ચાર કરી ન્યાયની માગ કરી રહ્યા છે.
કોંગ્રેસે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો
PGVCL કચેરી બહાર ધરણા કરી રહેલા યુવાનોની વેદના સમજી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખી વિદ્યાર્થીઓને ન્યાય આપવા રજૂઆત કરી છે. તેમને પત્રમાં લખ્યું છે કે, છેલ્લા પાંચ દિવસથી રાજકોટ PGVCL કચેરી ખાતે 400 કરતાં વધારે ઉમેદવારો ધરણા પર બેઠા છે, જે યુવાનોની તાત્કાલિક ભરતી કરવામાં આવે એવી અમારી માંગ છે. મેરીટ લિસ્ટનો સમયગાળો પણ 14 દિવસમાં પૂર્ણ થઇ રહ્યો છે માટે યુવાનોની ભરતી કરવામાં આવે અથવા તો સમયગાળો વધારવામાં આવે તેવી અમારી માંગ અને રજૂઆત છે.