ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 મે 2021 (16:05 IST)

તાઉ-તે વાવાઝોડાંના કારણે થયેલા નુકશાન સંદર્ભે ઓલપાડ તાલુકામાં પાંચ ટીમો દ્વારા યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ

ગુજરાતમાં ‘તાઉ-તે’ વાવાઝોડાંના કારણે સૌથી વધુ નુકસાન કૃષિ અને ઉર્જા વિભાગને થયું છે. દક્ષિણ ગુજરાતના દરીયા કિનારાના વિસ્તારોમાં પણ ડાંગર, શાકભાજી, કેળ, આંબા જેવા બાગાયતી પાકોને પણ નુકશાન થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી, બાગાયત વિભાગની ટીમો દ્વારા નુકશાનીના સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના કારણે પવનના સુંસવાટા સાથે ભારે વરસાદના કારણે સૌથી વધુ કૃષિ ક્ષેત્રને ત્યારબાદ ઉર્જા વિભાગના ઇલેક્ટ્રિકના ફિડરો, થાંભલાઓને પણ નુકસાન થયું છે. વાવાઝોડાંએ ડાંગર, કેળ, કેરીના પાકને સૌથી વધારે હાનિ પહોંચાડી છે, ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાન સંદર્ભે સર્વેક્ષણ માટે જિલ્લામાં ૪૩ જેટલી ટીમો બનાવીને સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
 
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં નુકશાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મદદનીશ ખેતી નિયામક(એગ્રો)શ્રી ચિંતન દેસાઈએ જણાવ્યું કે, તાઉ તે વાવાઝોડાના કારણે ઓલપાડ તાલુકાના ડાંગર, શાકભાજી, મગ, તલ, આંબા, કેળ જેવા પાકો પકવતા ખેડુતોને નુકશાન થયું છે જેના સર્વે માટે પાંચ ટીમો બનાવવામાં આવી છે. 
જે મુજબ એક ટીમમાં નોડલ અધિકારી તરીકે મદદનીશ ખેતી નિયામક, બાગાયત ખેતી નિયામક, વિસ્તરણ અધિકારી (ખેતી), ૨૮ ગ્રામ સેવક સાથે મળીને નુકશાન થયેલ ખેતરોમાં જઈ સર્વે કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ૬૪૫૮ હેકટરમાં ઉનાળું ડાંગરનું વાવેતર થયું હતું. જેમાંથી વાવાઝોડાના કારણે ૪૨૦૦ હેકટર ડાંગરને નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. 
 
જયારે આંબામાં ૨૭૦ હેકટર, કેળામાં ૬૦ થી ૭૦ હેકટર તથા શાકભાજીના ૩૬૦ હેકટર પાકને નુકશાની થયાનો અંદાજ છે. આ ઉપરાંત મગ, મકાઈમાં નુકશાન થયું છે. હાલ તાલુકામાં પાંચ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાર બાદ સરકારના ધારા ધોરણો મુજબ ખેડુતોને નુકશાનીનું વળતર ચૂકવવામાં આવશે