અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શનનો જથ્થો LG હોસ્પિટલ ખાતેથી અપાશે
રાજ્યમાં મ્યકરમાઈકોસિસ નામનો રોગ લોકોમાં હાહાકાર મચાવી રહ્યો છે. સરકાર દ્વારા પણ આ રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સરકારે અમદાવાદમાં SVP હોસ્પિટલમાં ઈન્જેક્શન આપવાની જાહેરાત કરવામા આવી હતી. ત્યારે આજે સવારથી જ દર્દીના સ્વજનો ઈન્જેક્શન લેવા માટે SVP હોસ્પિટલ પાસે લાઈનો લગાવીને ઉભા છે. પરંતુ અવ્યવસ્થાને કારણે તેમને ધરમધક્કો પડ્યો છે. પરંતુ હવે SVPને બદલે એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શનનો જથ્થો LG હોસ્પિટલ ખાતેથી અપાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.મ્યુકર માઈકોસિસના અમદાવાદ સહિતના શહેરોમાં કેસમાં વધારો થઈ રહ્યો છે.
સરકાર દ્વારા પણ આ મુદ્દે ગંભીર નોંધ લઈને તેને મહામારી જાહેર કરેલ છે. આ બધાની વચ્ચે દર્દીનો સારવારનો ખર્ચ પણ લાખો રૂપિયામાં છે. તેની દવાઓ પણ હાલમા મળવી મુસીબત સમાન છે. લોકો દવાઓ માટે પણ હવાતિયા મારી રહ્યાં છે. બીજી તરફ સરકાર દવારા પણ આ દવા SVP હોસ્પિટલમાં આપવાની જાહેરાત કરી હતી. જે માટે એક પ્રક્રિયોમાંથી પસાર થવાનું હોય છે. લોકોએ પોતાના સ્વજનોને બચાવવા માટે ઇન્જેકશન લેવા દોટ મૂકી છે .જેના લીધે આજે SVP હોસ્પિટલ બહાર લાંબી લાઈન લાગી હતી.SVP હોસ્પિટલ ઈન્જેકશન લેવા આવેલા લોકોના જણાવ્યા અનુસાર અહીંયા કઈ રીતે દવા મળશે, કોને ક્યારે મળશે તેની માહિતી આપવની કોઈ વ્યવસ્થા નથી. જેના લીધે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.એક તરફ પોતાના સ્વજનોનો જીવ બચાવવા માટે પરિવારજનો ભારે તકલીફમાં મુકાયા છે. બીજી તરફ અવ્યવસ્થાને કારણે વધારે હાલાંકી ભોગવવાનો વારો આવ્યો છે.મ્યુકર માઈકોસિસની સારવાર કેન્સર અને કિડનીની બિમારી કરતા પણ વધુ ખર્ચાળ સાબિત થઈ રહી છે. મ્યુકર માઈકોસિસની સારવાર પાછળ દર્દીએ 1 મહિનામાં 12થી 40 લાખ સુધીનો ખર્ચ કરવો પડે છે. સિવિલ હોસ્પિટલના સિનિયર ઈએનટી સર્જન ડૉ. કલ્પેશ પટેલે કહ્યું કે, મ્યુકર માઈકોસિસના દર્દીઓ માટે હાલ લાઈપોઝોમલ ઈન્જેક્શન ઉપયોગમાં લેવાય છે. દર્દીના વજન પ્રમાણે તેના ડોઝ નક્કી થાય છે. એક ઈન્જેક્શનની કિંમત 7 હજારની આસપાસ થાય છે એટલે કે 6 ઈન્જેક્શન પાછળ કુલ ખર્ચ આશરે 42 હજાર થાય છે. એક દર્દીને 30 દિવસ સુધી સળંગ આ ડોઝ આપવો પડે છે. એટલે અંદાજે એક દર્દીને સારવાર દરમિયાન 90થી 100 ઈન્જેક્શનની જરૂર પડે છે.