ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 મે 2020 (10:32 IST)

ગુજરાતમાં કોરોના વધુ ઘાતક બન્યોઃ કુલ પોઝિટીવ કેસ 6245, કુલ મૃત્યુ આંક 368

ગુજરાતના 32 જિલ્લાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ ગયું છે. જ્યારે એક માત્ર જિલ્લો અમરેલી આ વાયરસના સંક્રમણથી બાકાત રહ્યો છે. ત્યારે મંગળવાર રાત સુધીના આંકડાઓની વિગતવાર વાત કરીએ તો ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ વિગતો આપતાં જણાવ્યું હતું કે  ગુજરાતમાં મંગળવારે પોઝિટિવ કેસો 441 નોંધાયા છે. જ્યારે 186 લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે.  એક દિવસમાં કોવિડના કારણે 15 લોકોનાં મોત થયા છે, તો અન્ય બીમારીઓ સાથે 34 લોકોનાં મોત થયા છે. આમ કોરોનાનાં એક જ દિવસમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અને મોત મંગળવારના દિવસે નોંધાયા છે. જેને જોતાં લાગે છે કે ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે.રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનાં સૌથી વધુ કેસ આજનાં દિવસે જ નોંધાયા છે. આજના 441 કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 349 કેસ, વડોદરામાં 20, સુરતમાં 17, રાજકોટ 1, ભાવનગર 2, ગાંધીનગર 2, પાટણ 2, પંચમહાલ 4, બનાસકાંઠા 10, મહેસાણા 8, ખેડા 4, સાબરકાંઠા 4, અરવલ્લી 2, મહીસાગર 4, જૂનાગઢમાં 2 પોઝિટિવ કેસો નોંધાયા હતા.રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 6245 થઈ ગયો છે. જેમાં વેન્ટિલેટર પર 29 લોકો છે. તો 4467 લોકોની હાલત સ્ટેબલ છે. જ્યારે કુલ 1381 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તો કોરોનાને કારણે રાજ્યમાં અત્યાર સુધી કુલ 368 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં જ 39 લોકોનાં મોત થયા છે. અરવલ્લી-ગાંધીનગર-ખેડા-સાબરકાંઠા-મહીસાગરમાં એક-એક દર્દીનાં મોત થયા હતા. તો સુરત 2 અને વડોદરામાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા.