ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : મંગળવાર, 5 મે 2020 (17:47 IST)

વતન જવાની માંગ સાથે અમદાવાદમાં 3 હજાર પરપ્રાંતિય મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા

ગુજરાતમાં હવે દિવસે ને દિવસે પરપ્રાંતિય મજૂરો વતન જવાની જીદે રસ્તા પર ઉતરી આવ્યાની ઘટનાઓમાં વધારો થયો છે. ગઈકાલે સુરતમાં હજારો મજૂરોએ રસ્તા પર ઉતરી આવી પથ્થરમારો અને આગચંપી કરી હતી. ત્યારે સુરત બાદ હવે અમદાવાદમાં હજારો મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને વતન જવાની જીદ કરી રહ્યા હતા.અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સોનીની ચાલી પાસે આજે અંદાજે 3 હજાર જેટલાં પરપ્રાંતિય મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ઉમટી આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ માટે પણ લોકોને કાબૂમાં લેવા માટે પસીનો છૂટી ગયો હતો. જો કે અમદાવાદમાં મજૂરો કોઈ હોબાળો કર્યો ન હતો. પણ હજારોની સંખ્યામાં લોકો એકઠાં થતાં સોશિયલ ડિસ્ટન્સનો સંપુર્ણ અભાવ જોવા મળ્યો હતો. અમદાવાદમાં ગરમીનો પારો 40ને પાર છે. તેવામાં ભર બપોરે ધોમધખતાં તાપમાં પણ મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા છે. ખભે અને માથે ભારે ભરખમ બેગ લઈને પણ આ મજૂરો ચાલી નીકળ્યા છે. શું આ જ વિકાસશીલ ગુજરાત છે. શું આ જ વાઈબ્રન્ટ ગુજરાત છે? જેવા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થતાં જ શ્રમિકોની ધીરજ ખૂટી ગઈ છે. ન તો તેમની પાસે પૈસા છે કે ન તો ખાવાનો ખોરાક. અને હવે લોકડાઉન ક્યાં સુધી ચાલુ રહેશે તેનો પણ કોઈ અંદાજ નથી. જેને કારણે શ્રમિકો હવે પોતાની ધીરજ ગુમાવી બેઠાં છે. અને બીજી બાજુ સરકારની પણ નિષ્ફળતા છતી થાય છે. સરકારે શ્રમિકોની સદંતર અવગણના જ કરી છે. મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા બાદ જ સરકારે ટ્રેન અને બસોની સેવા કરી છે. તે પણ જોઈએ તેટલાં પ્રમાણમાં નથી. લાખોની સંખ્યામાં વતન જવા માગતા મજૂરો માટે સરકારની વ્યવસ્થા ખોરંભે ચઢી છે. અને કોરોના મહામારી વચ્ચે આ રીતે હજારો લોકો ભેગાં થશે તો કેવી રીતે રોગને કાબૂમાં લઈ શકાશે તે સૌથી મોટો પ્રશ્ન છે.