ગુજરાતમાં 21થી 40ની વયજૂથમાં સૌથી વધુ 53 વ્યક્તિને કોરોના
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કેરને લીધે દિવસેને દિવસે વધુ ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના ૧૪૬ કેસ સામે આવી ચૂક્યા છે. અત્યારસુધીમાં ગુજરાતમાં જે કેસ નોંધાયા છે તેમાં ૧૦૧ પુરુષ અને ૪૫ મહિલાઓન સમાવેશ થાય છે. આમ, કોરોનાના કુલ કેસમાં પુરુષોનું પ્રમાણ ૫૪.૭૪ ટકા જ્યારે મહિલાઓનું પ્રમાણ ૪૫.૨૬ ટકા છે.આ ઉપરાંત એક માન્યતા એવી હતી કે કોરોના ૬૦થી વધુ વયના લોકોમાં થવાની સંભાવના વધી જાય છે. પરંતુ ગુજરાતના સંદર્ભમાં જોવામાં આવે તો ૨૧થી ૪૦ની વયજૂથમાં કોરોનાનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. રાજ્યમાં ૨૧-૪૦ વયજૂથની ૧૭ મહિલા-૩૬ પુરુષ એમ કુલ ૫૩ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ પછી ૪૧થી ૬૦ની વયજૂનો સમાવેશ થાય છે. જેમાં ૧૫ મહિલા ૩૩ પુરુષ એમ કુલ ૪૮ કેસ નોંધાયા છે. ૦થી ૨૦ વયજૂથમાં કોરોનાનું પ્રમાણ સૌથી ઓછું છે. તેમાં ૧ મહિલા- ૯ પુરુષ એમ કુલ ૧૦ લોકોને કોરોના થયેલો છે. ૬૦થી વધુ વયજૂથમાં ૧૨ મહિલા-૨૩ પુરુષ એમ કુલ ૩૫ને કોરોના થયો છે. ગુજરાતમાં સોમવારે સાંજે જે બે કેસ નોંધાયા તેમાં એક મહિલાની ઉંમર ૪૩ વર્ષ જ્યારે અન્ય એકની ઉંમર ૭૦ વર્ષ હતી. સોમવાર સાંજ સુધીમાં ગુજરાતમાં કુલ ૧૪૬ કેસ નોંધાયા છે અને તેમાંથી ૨૨ વ્યક્તિએ કોરાનાને પરાસ્ત કર્યો છે જ્યારે ૧૨ના મૃત્યુ થયા છે. દેશના એક જ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં અમદાવાદ ૧૦માં સ્થાને છે. જેમાં મુંબઇમાં સૌથી વધુ ૪૬૯, કેરળના કાસારગોડમાં ૧૫૨, ઇન્દોરમાં ૧૩૫, પૂણેમાં ૧૧૯, ચેન્નાઇમાં ૧૧૩, જયપુરમાં ૧૦૨, હૈદરાબાદમાં ૮૭, થાણેમાં ૮૨ કેસનો સમાવેશ થાય છે. તામિલનાડુના કોઇમ્બતોર અને અમદાવાદમાં એકસમાન ૬૩ કેસ છે. હાલની સ્થિતિએ રાજ્યમાં ૫ એપ્રિલે સૌથી વધુ ૨૦, ૬ એપ્રિલે ૧૮ અને ત્યારબાદ ૨ એપ્રિલે ૧૪ કેસ નોંધાયા હતા. આમ, છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે.