બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : મંગળવાર, 7 એપ્રિલ 2020 (10:49 IST)

કોરોના વાઇરસ લાઈવ અપડેટ : બ્રિટિશ વડા પ્રધાન બોરીસ બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જૉનસન ICUમાં દાખલ, મુંબઈમાં 26 નર્સ અને 3 ડૉક્ટર કોરોના પૉઝિટિવ

મહારાષ્ટ્ર એ રાજ્ય છે જ્યાં ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. મુંબઈના વૉકહાર્ટ હૉસ્પિટલમાં 26 નર્સ અને ત્રણ ડૉક્ટરોનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે, આ પછી હૉસ્પિટલને હાલ પૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે.
બીએમસીના પ્રવક્તા વિજય ખોબોલેએ બીબીસી ને કહ્યું કે હૉસ્પિટલને પ્રતિબંધિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. હાલ બધા સ્ટાફના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને રિપોર્ટ આવ્યા પછી પ્રશાસન નિર્ણય કરશે.
વૉકહાર્ટ હૉસ્પિટલનાં નર્સ અને ડૉક્ટરોને અંધેરીમાં એક હૉસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યાં છે.
 
કહેવામાં આવી રહ્યું છે કે હૉસ્પિટલમાં એક દર્દીને કોરોના પૉઝિટિવ હતો, જેનાથી સ્ટાફમાં સંક્રમણ ફેલાયું હતું. હૉસ્પિટલમાં પરિસ્થિતિ કાબૂમાંથી બહાર કેવી રીતે થઈ એ વાતની તપાસ માટે બીએમસીએ સૂચન કર્યું છે. અત્યાર સુધી 270 લોકોના સૅમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં છે.
એ સિવાય મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે કારણકે આ વિસ્તારમાં કોરોના સંક્રમણનો એક કેસ સામે આવ્યો હતો.
 
ચીનમાં જાન્યુઆરી પછી પહેલી વખત સોમવારે કોઈ મૃત્યુ ન નોંધાયું ચીનમાં કોરોના વાઇરસ સંક્રમણના 32 કેસ સામે આવ્યા છે, આ બધા કેસ એવા છે જે બહારથી ચીનમાં આવ્યા હતા. પરંતુ ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે કોઈ મૃત્યુ નથી થયું.
ન્યૂઝ એજન્સી એએફપી પ્રમાણે ચીનના નેશનલ હેલ્થ કમિશને કોઈ મૃત્યુ નથી નોંધ્યું. જાન્યુઆરીમાં આ સંસ્થાએ કોરોના વાઇરસ સંક્રમણને કારણે થતા મૃત્યુનો આંકડો બહાર પાડવાનું શરૂ કર્યું હતું.
ચીનમાં કોરોના સંક્રમણના 81,740 કન્ફર્મ કેસ છે અને મરણાંક 3,300 છે.
 
14 એપ્રિલે લૉકડાઉન ખતમ થઈ જશે?
કમસે કમ સાત રાજ્યોએ ભારતમાં 21 દિવસનું લૉકડાઉન ખતમ થયા પછી પણ અમુક પાબંદી ચાલુ રાખવાના સંકેત આપ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર પ્રમાણે ભારતમાં કોરોના સંક્રમણના કુલ 4,281 કેસમાંથી લગભગ ત્રીજો ભાગ એટલે કે 1,367 કેસ સાત રાજ્યોમાં નોંધાયા છે.
તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડે સંકેત આપ્યા છે કે 14 એપ્રિલે લૉકડાઉનને પૂર્ણ રીતે ઉઠાવી નહીં લેવાય.
 
મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે, ત્યારે શક્ય છે કે મુંબઈ અને પુણેમાં લૉકડાઉન ખતમ કરવામાં ન આવે.ઉત્તર પ્રદેશમાં પણ લૉકડાઉનને લઈને અનિશ્ચિતતા છે.
અખબાર લખે છે કે તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆર રાવે કહ્યું છે કે તેઓ લૉકડાઉનનો સમય વધારવાની તરફેણમાં છે. તેમણે કહ્યું કે કોરોના વાઇરસ સામે લૉકડાઉન જ એકમાત્ર હથિયાર છે.
ત્યારે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે 15 એપ્રિલથી ઘઉંની ખરીદી ચાલુ કરવામાં આવશે.
 
ભારતમાં દરરોજ એક લાખ ટેસ્ટિંગની તૈયારી
કોરોનાના સંકટને જોતાં ભારતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે તૈયારી રૂપે કેટલાક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. આઈસીએમઆરે ભારતમાં કોરોના સંક્રમણનું ટેસ્ટિંગ વધારવાનું નક્કી કર્યું છે. આવનારા સમયમાં દરરોજ એક લાખ ટેસ્ટિંગ કરવા માટે કેટલાંક પગલાં લેવા અંગે વિચાર કરવામાં આવ્યો છે.
આઈસીએમઆરે દેશભરમાં પીસીઆર મશીન મારફતે ટેસ્ટિંગ માટે ખાનગી અને સરકારી એવી 200 લૅબ્સને મંજૂરી આપી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને ટાંકતાં લખ્યું છે કે આઈસીએમઆર દેશમાં લૅબ્સને 24*7 એટલે કે સાતેય દિવસ 24 કલાક કામ કરતી રાખવા માટેની તૈયારીઓ પર પણ વિચાર કરી રહ્યું છે.
 
અમેરિકામાં મૃત્યુઆંક 10 હજારને પાર
 
કોરોના સંક્રમણને કારણે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1,150 લોકોના જીવ ગયા છે. જોહ્ન હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં સૌથી વધારે મરણાંક નોંધાયો છે.
ફ્રાન્સમાં સોમવારે 830 મૃત્યુ થયાં તો સ્પેનમાં 630 લોકોના જીવ ગયા. અમેરિકામાં કોરોના સંક્રમણને કારણે મરણાંક હવે દસ હજારને પાર કરી ચૂક્યો છે.
હાલ અમેરિકામાં મરણાંક 10,783 છે અને 3,67,000 કન્ફર્મ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 30 હજાર પૉઝિટિવ કેસ સામે આવ્યા છે. અમેરિકામાં 19,600 લોકો સારવાર પછી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
 
'ભારત સામે પગલાં લઈ શકે છે અમેરિકા'- ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કોરોના વાઇરસને લઈને કરવામાં આવેલી પ્રેસવાર્તામાં કહ્યું કે ભારત હાઇડ્રૉક્સીક્લોરોક્વિન દવાના નિકાસ પરથી પ્રતિબંધ ન હઠાવી શકે તો ઠીક છે, તે બદલ અમેરિકા પગલાં લઈ શકે છે. જોકે આ કેવાં પગલાં હશે તે બાબતે તેમણે કશું જ કહ્યું નથી.
તેમણે રવિવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીતમાં ભારત પાસેથી આ દવા આપવાની માગ કરી હતી. જોકે ભારતમાં આ દવાના 
નિકાસ પર પ્રતિબંધ છે. તેનો વપરાશ મલેરિયા અને લ્યૂપસ જેવી બીમારીઓની સારવારમાં થાય છે. અમેરિકા કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની 
સારવારમાં આ દવા વાપરી રહ્યું છે.
 
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસનને ICUમાં ખસેડાયા
 
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસનને કોરોના વાઇરસના સંક્રમણના લક્ષણો દેખાતાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. આ પહેલાં સોમવારે તેમને કોરોના સંક્રમણને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બ્રિટિશ વડા પ્રધાન કાર્યાલયે આ બાબતે કહ્યું છે કે તેમને સારામાં સારી સારવાર આપવામાં આવી રહી છે. બીબીસી સંવાદદાતા ક્રિસ મેસન મુજબ તેમને આઈસીયુમાં લઈ જતાં પહેલાં ઑક્સિજન આપવામાં આવ્યો હતો જોકે તેમને વૅન્ટિલેટર પર નથી મૂકવામાં આવ્યા.
બ્રિટિશ વડા પ્રધાન કાર્યાલયના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે તબીબોની સલાહ બાદ વડા પ્રધાન કેટલાક ટેસ્ટ કરાવવા માટે હૉસ્પિટલમાં દાખલ થયા હતા.
દસ દિવસ પહેલાં બોરિસ જૉન્સનને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો. ત્યારથી તેઓ આઇસોલેશનમાં હતા.
 
વિશ્વમાં મરણાંક 74,500ને પાર
વિશ્વભરમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા 13 લાખ 45 હજાર કરતાં વધારે થઈ ગઈ છે અને મરણાંક 74,500ની પાર પહોંચ્યો છે.
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ કોરોના વાઇરસના સંક્રમણના દર્દીઓની સંખ્યા 3,851 છે, ત્યારે 318 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને 111 લોકોનાં મૃત્યુ થયાં છે.
અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણના 3,66,614 દર્દીઓ છે. ઇટાલીમાં 16,523 દર્દીઓના જીવ ગયા છે, ત્યારે સ્પેનમાં 13,341 લોકોનાં મૃત્યુ થયાં છે. સ્પેનમાં હવે ઇટાલી કરતાં પણ વધારે કોરોના સંક્રમણના એક લાખ 36 હજાર 675 કેસ સામે આવ્યા છે.
બ્રિટનમાં પાંચ હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે, ત્યારે ફ્રાન્સમાં કોરોનાથી સંક્રમિત 8,911 લોકોના જીવ ગયા છે.