ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (15:09 IST)

કોરોના વેક્સિનનો ૨ લાખ ૭૬ હજાર જથ્થો રાજ્યના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવશે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, કોરોના મહાનારીનો આપણે મક્કમતાથી સામનો કર્યો છે, પરંતુ  સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય જેની આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું તે ઐતિહાસિક દિવસ આજે આવી ગયો છે. પૂણેથી હવાઈમાર્ગે અમદાવાદ એરપોર્ટ પર આવેલા કોરોના વેક્સિનના જથ્થાને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે  સહર્ષ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
 
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા વેક્સિનના જથ્થાને  ગુજરાતના વિવિધ સ્થળોએ પહોંચાડવા લીલીઝંડી આપીને રવાના કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે,  અમદાવાદ એરપોર્ટ પર કોવિડ શિલ્ડ વેક્સિનનો કુલ ૨,૭૬,૦૦૦ જથ્થો અમદાવાદ  એરપોર્ટ ખાતે  આવી પહોંચ્યો હતો.
 
  નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલે અમદાવાદ એરપોર્ટ પર આવેલા પ્રથમ તબક્કાના કોરોના વેક્સિન નો જથ્થાની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે આ વેક્સિનનો જથ્થો  કુલ ત્રણ ઝોનમાં વિભાજિત થનાર છે. એક બોક્સમાં ૧૨,૦૦૦ના જથ્થા સાથે વેક્સિનના કુલ ૨૩ બોક્ષ અત્રે આવી પહોંચ્યા છે.
 
જેમાંથી આજે ગાંધીનગર ઝોનમાં બનાવેલ સ્ટેટ વેક્સિન સ્ટોરમાં ૮ બોક્સ એટલે કે ૯૬ હજાર વેક્સિન ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની પાસે રિજિયોનલ વેક્સિન સ્ટોરમાં ૧૦ બોક્સ એટલે કે કુલ ૧ લાખ ૨૦ હજાર વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે, જ્યારે ભાવનગર ઝોનમાં ૫ બોક્સ એટલે કે ૬૦ હજારનો જથ્થો પહોંચાડવામાં આવશે. ગ્રીન કોરિડોર મારફતે અભેદ સુરક્ષા સાથે સમગ્ર વેક્સિનનો જથ્થો  જે તે ઝોન અને સ્થળ પર પહોંચતો કરવામાં આવ્યો છે.
 
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે આવતીકાલે ૧૩ મી જાન્યુઆરીના રોજ પુનાથી મોટરમાર્ગે કોલ્ડ ચેન દ્વારા સુરતમાં ૯૩,૫૦૦ વેક્સિંનનો જથ્થો,  વડોદરામાં ૯૪,૫૦૦ વેક્સિન નો જથ્થો  અને રાજકોટ ખાતે ૭૭ હજાર કોવિડશિલ્ડ વેક્સિનનો જથ્થો નાગરિકો માટે પહોંચાડવામાં આવશે‌. પ્રથમ તબક્કાના રસીકરણ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય કર્મીઓ અને નાગરિકોને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં ૨૦ હજાર વેક્સિન કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના ૪ લાખ ૩૩ હજાર  સરકારી અને ખાનગી  આરોગ્ય સાથે સંકળાયેલા તબીબો, નર્સિંગ સ્ટાફ,પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓમાં રસીકરણ પ્રાથમિક તબક્કે રસીકરણ કરવામા આવશે તેમ નાયબ મુખ્ય મંત્રીએ ઉમેર્યું હતું.