બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 મે 2021 (19:48 IST)

Gujarat Corona Update - રાજ્યમાં કોરોનાના કેસ ઘટીને 5 હજારના આંકડે પહોંચ્યા, 9 હજાર દર્દીએ કોરોનાને માત આપી, 71ના મોત

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે. રાજ્યમાં 39મા દિવસે નવા કેસનો આંકડો ઘટીને 5 હજાર નજીક પહોંચી ગયો છે. આ પહેલા 11 એપ્રિલે 5 હજાર 469 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5 હજાર 246 નવા કેસ નોધાયા છે. તેમજ સતત 15મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. કુલ 9 હજાર 1 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 86.78 ટકા થયો છે. 17મી મે સુધી સતત 17 દિવસ સુધી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાને માત આપતા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 71 હજાર 447ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 340 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 6 લાખ 69 હજાર 490 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 92 હજાર 617 એક્ટિવ કેસ છે, જેમાંથી 742 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 91 હજાર 875 દર્દીની હાલત સ્થિર છે.