બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ઑક્ટોબર 2020 (13:00 IST)

કોરોનાએ કમર ભાંગી, ગત વર્ષની સરખામણીએ મુસાફરોની સંખ્યામાં 91 ટકાનો ઘટાડો

કોરોના વાયરસના સંક્રમણના લીધે દેશની આર્થિક કમર ભાંગી ગઇ છે. દેશના તમામ રોજગાર ધંધા પડી ભાગ્યા છે. ન્યૂ નોર્મલ લાઇફમાં હવે લોકો ધીમે ધીમે બહાર નિકળી રહ્યા છે. પોતાના ધંધા રોજગારને બેઠા કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. અનલોક દરમિયાન 25 જૂનથી દેશમાં ફ્લાઇટોની ઉડાન શરૂ કરવામાં આવી છે. પરંતુ લોકો અગત્યના કામ સિવાય બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. આ સ્થિતિમાં પણ ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
 
આંકડા પર નજર કરીએ તો ઓગસ્ટ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 1.89 લાખ પેસેન્જરોએ મુસાફરી કરી હતી. જો કે ગત વર્ષના ઓગસ્ટની સરખામણીમાં પેસેન્જરોની સંખ્યામાં 81 ટકા ઘટાડો નોંધાયો હતો. એજ રીતે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કુલ પેસેન્જરોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં 91 ટકા ઘટાડો નોંધાયો હતો.
 
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર એરપોર્ટ પર ઓગસ્ટમાં કુલ 184808 ડોમેસ્ટિક પેસેન્જરોએ મુસાફરી કરી હતી, જ્યારે ગત વર્ષે ઓગસ્ટમાં 760381 પેસેન્જરોએ મુસાફરી કરી હતી. એટલે કે તેમાં 75.7 ટકા ઘટાડો નોંધાયો હતો. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કુલ 421940 પેસેન્જરો નોંધાયા હતા જ્યારે ગત વર્ષે આ સમયમાં 3730508 પેસેન્જરો નોંધાતા 88.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
 
ઇન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં 98.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ એરપોર્ટ પર ગત વર્ષે ઓગસ્ટમાં 5615 ડોમેસ્ટિક એરક્રાફ્ટની સરખામણીમાં આ વર્ષે 2094 ડોમેસ્ટિક એરક્રાફ્ટની અવર જવર થતા તેમાં 62.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન 79.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઓગસ્ટમાં ગત વર્ષે 1395 ફ્લાઈટની સામે આ વર્ષે ફક્ત 204 ઇન્ટરનેશનલ ફ્લાઈટોનું સંચાલન થતા તેમાં 85.4 ટકા ઘટાડો નોંધાયો હતો.