કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સને શુભેચ્છા આપતા પોસ્ટર લગાવ્યા, ભાજપે કટાક્ષ કર્યો
અમદાવાદમાં આજથી ક્રિકેટ કાર્નિવલ શરૂ થઈ રહ્યો છે. શુક્રવાર અને રવિવાર એમ બે દિવસ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચો રમાવાની છે. ત્યારે ક્રિકેટની રમતની સાથે પોલિટિક્સ પણ શરૂ થઈ ગયું છે. સોશિયલ મીડિયામાં મેચ પહેલાં જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મેદાનની બહાર પોસ્ટર વોર શરૂ થયો છે. કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સની ટીમને શુભેચ્છા આપતાં પોસ્ટર લગાવ્યાં છે પણ તેમાં મેદાનના નામમાં 'સરદાર પટેલ સ્ટેડિયમ' તરીકે ઉલ્લેખ કર્યો છે.
કોંગ્રેસ લગાવેલા પોસ્ટરમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની સાથે સાથે રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, સુખરામ રાઠવાના ફોટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ટેડિયમના નામ તરીકે 'સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે અધિકૃત રીતે આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. IPL સંચાલકો દ્વારા પણ સ્ટેડિયમના નામમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.કોંગ્રેસે પોતાના પોસ્ટરમાં સરદાર પટેલ સ્ટેડિયમ નામનો ઉલ્લેખ કર્યો છે. જેને લઇને સરકારના સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણે કોંગ્રેસના પોસ્ટરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે અને પોતાના ફેસબુક પેજ પર પોસ્ટરના ફોટો સાથે કહ્યું છે કે, 'વર્ષો સુધી સરદાર પટેલની અવગણના કરવા વાળાને અચાનક એક દિવસમાં સરદાર પટેલ કેમ યાદ આવી ગયા? પહેલી સિઝન હોય કે વીસ વર્ષનો ઇતિહાસ હોય જીત હંમેશા સાહસિક જુસ્સાની થઈ છે, પરિવાર વાદની નહી'