સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (13:46 IST)

કોંગ્રેસમાં કોણ બની શકે છે વિપક્ષનો નેતા. આ ચાર નામો ચર્ચામાં છે.

કોંગ્રેસમાં હવે સરકાર સામે બાથ ભીડે તેવા વિરોધપક્ષના નેતાપદના ઉમેદવારની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આગામી શનિવારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ચૂંટાયેલાં ધારાસભ્યો સહિતના હોદ્દેદારો સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ વિરોધપક્ષના નેતાનો નિર્ણય લેવાશે એમ મનાય રહ્યું છે, પરંતુ હાલના તબક્કે વિપક્ષી નેતાના મહત્વના પદ માટે જસદણના સિનિયર ધારાસભ્ય કુંવરજી બાવળિયા, ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના નામ ચર્ચાઈ રહ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ટોચના નેતાઓ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલના પરાજયથી વિધાનસભાના નેતાપદ માટે કોંગ્રેસે નવેસરથી વિચારણા કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે હવે વિધાનસભામાં સરકારને ભીડવવા માટે આક્રમક અને સંસદીય બાબતોના જાણકાર એવા નેતાને વિપક્ષના નેતાપદે બેસાડવા પડશે એ નિશ્ચિત છે. વિરોધપક્ષના નેતાપદ માટે અમરેલીના યુવા ધારાસભ્ય અને રાહુલ ગાંધીની ટીમના સભ્ય પરેશ ધાનાણીનું નામ મોખરાના સભ્યોમાં ચર્ચાઈ રહ્યું છે.  સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ જિલ્લામાં કોંગ્રેસનો દબદબો કોળી સહિતના ઓબીસી સમાજના મતદારોને આભારી છે. ગીર-સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના બેઠક કોંગ્રેસને ફાળે આવી છે. જેમાં ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ કોળી સમાજમાંથી આવે છે અને તેઓ ૧૯૯૮થી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યા છે. સૌરાષ્ટ્રના કોળી વસતી ધરાવતી બેઠકોમાં ભાજપનું વર્ચસ્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પુંજાભાઈ વંશની પસંદગી કરે તેવી શક્યતા છે.  અન્ય કોળી સમાજના દાવેદારમાં જસદણના સિનિયર ધારાસભ્ય કુંરવજીભાઈ બાવળિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લામાંથી કોંગ્રેસને મળેલી બે બેઠકમાં ધોરાજી અને જસદણનો સમાવેશ થાય છે. જો કે, બાવળિયાનો સાલસ સ્વભાવ વિપક્ષના નેતાપદ માટે માઈનસ પોઈન્ટ ગણાય છે.  એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજને સંગઠિત કરીને કોંગ્રેસને મજબૂત બનાવનારા અલ્પેશ ઠાકોરની પણ આ પદ માટે પસંદગી કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય નહીં. જો  કોંગ્રેસ દલિત ઉમેદવાર તરફ નજર દોડાવે તો અમદાવાદની દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર વિરોધપક્ષના નેતાપદ માટે પસંદગી થઈ શકે છે. પરમાર વિધાનસભાની પ્રોસીઝર અને આક્રમકતાની સાથોસાથ આ વખતે છ દલિત ધારાસભ્યોનો ટેકો ધરાવે છે. હવે જોવાનું એ રહે છે કે, કોંગ્રેસ અધ્યક્ષ સરકારને ભીડવવા માટે મજબૂત પ્લેટફોર્મ-વિધાનસભામાં કોંગ્રેસના નેતાપદ માટે ક્યા સમાજ ઉપર પસંદગી ઉતારે છે.