આજે મહેસાણામાં કોંગ્રેસ પરાજયની સમિક્ષા કરશે. ગહેલોત નેતાઓ સાથે વન ટુ વન મીટિંગ કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગત વખત કરતા સારો દેખાવ કર્યો છે. મહેસાણામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં એક બેઠક મળી રહી છે જેમાં હારની સમિક્ષા કરવામાં આવશે. ગત વખતની સરખામણીમાં આ વખતે કોંગ્રેસનો દેખાવ પ્રમાણમાં ખૂબ જ સારો રહ્યો છે તે જોતાં કોંગ્રેસી નેતાઓ ખુશ છે. આમ છતાંયે પક્ષે કરેલાં સર્વે અનુસાર બેઠકો હાંસલ થઇ નથી પરિણામે ચૂંટણીલક્ષી કામગીરીમાં કયાં કયાં ત્રુટીઓ રહી છે તે જાણવા કોંગ્રેસ આજથી બુધધારથી પ્રયાસો કરશે.
મહેસાણામાં હોટલ સેફ્રોનીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વન ટુ વન ચર્ચા કરી હારના કારણો જાણશે. આ ઉપરાંત સહપ્રભારી અને જીલ્લા પ્રભારી-જીલ્લા પ્રમુખો પાસેથી પણ ગ્રાઉન્ડ રિપોર્ટ લઇ અભિપ્રાય લેવામાં આવશે. કોંગ્રેસને કયા કયા ફેક્ટર નડયાં, કોણે પક્ષવિરોધી પ્રવતિ કરી, અપક્ષો કેટલી હદે કોંગ્રેસની જીતમાં અવરોધરૃપ બન્યાં, આ તમામ મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવશે. કોંગ્રેસના નેતાઓ શક્તિસિંહ ગોહિલ,અર્જૂન મોઢવાડિયા,સિધ્ધાર્થ પટેલ,તુષાર ચૌધરી પણ હારી જતાં કોંગ્રેસ હાઇકમાન્ડ ચિંતિત છે. પ્રભારી અશોક ગેહલોત મંગળવારે મોડી સાંજે અમદાવાદ આવી પહોચ્યા હતાં. ખાસ કરીને જે કોંગ્રેસના નેતાઓએ ટિકિટ માટે ભલામણ કરી હતી તેનો પણ ખુલાસો પૂછવામાં આવશે. જે કોંગ્રેસના નેતાઓ ચૂંટણીમાં નિષ્ક્રિય રહ્યાં તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આમ, કોંગ્રેસ હારનું પોસ્ટમોર્ટમ કરી જીત મેળવતા અટકી છે. તેના કારણો જાણી હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે વધુ સંગઠિત થઇને પ્રદર્શન કરવા તૈયારી કરશે. દરમિયાન, અલ્પેશ ઠાકોર દિલ્હી પહોંચ્યા છે તેઓ રાહુલ ગાંધી સાથે શુભેચ્છા મુલાકાત કરશે. ઓબીસી-દલિત વોટબેન્કનો કોંગ્રેસને આ વખતે ખાસ્સો એવો ફાયદો થયો છે.