પંચમહાલમાં કોમી અથડામણ, સાત લોકોની અટકાયત
પંચમહાલ જિલ્લાના કલોલ શહેરમાં, બે અલગ-અલગ સમુદાયના કેટલાક સભ્યો વચ્ચે નજીવી બાબતે કોમી અથડામણ થઈ હતી, જેના પગલે પોલીસે સાત લોકોને કસ્ટડીમાં લીધા હતા. એક પોલીસ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી.
અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી અને માહિતી મળતાની સાથે જ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
સોલંકીએ જણાવ્યું કે, જુલૂસમાં ડાન્સ કરી રહેલા બે લોકો વચ્ચે નાની વાત પર ઝઘડો થતાં અથડામણ શરૂ થઈ હતી.
તેમણે કહ્યું, “આ વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ બંને રહે છે. બંને સમુદાયના કેટલાક સભ્યો શોભાયાત્રાનો ભાગ હતા. નજીવી બાબતે બે લોકો વચ્ચે બોલાચાલી બાદ બંને કોમના સભ્યો વચ્ચે મારામારી થઈ હતી.
કલોલ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એમ.કે. માલવિયાએ જણાવ્યું હતું કે અથડામણના સંબંધમાં સ્થળ પરથી સાત લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.