રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 જૂન 2018 (14:53 IST)

સાબરકાંઠા જિલ્લાના લાંબડીયા ખાતે મુખ્યમંત્રીએ બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો

મુખ્યમંત્રી  રૂપાણીએ જણાવ્યું છે કે, હવેનો યુગ એ જ્ઞાનનો યુગ છે. શિક્ષણ વિના ઉદ્ધાર નથી અને શિક્ષણ જ સર્વાંગી વિકાસનો પાયો છે ત્યારે શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. રૂપાણીએ આજે કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શૃંખલાની ૧૬મી કડીનો સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આ તબક્કે લાંબડીયા, દેમતી અને નવાધરાના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે ભુલકાંઓને આંગણવાડીમાં અને ધોરણ-૯ તથા ધોરણ-૧૧માં વિદ્યાર્થીઓનું નામાંકન કરાવ્યું હતું. બાળકો શિક્ષણ મેળવવા-શાળાએ જવા પ્રેરાય તેવું વાતાવરણ નિર્માણ થશે તો આગામી પેઢી શિક્ષિત બનશે અને તેના પગલે શિક્ષિત સમાજનું નિર્માણ પણ થશે. કોઇપણ રાજ્ય-દેશનો વિકાસ શિક્ષણ વિના શકય નથી એમ તેમણે આ વેળાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. આદિજાતી પોશીના તાલુકાના સાધુફળો ખાતે રૂ. ૧.૪પ કરોડના ખર્ચે નવનિર્મિત સિઝનલ હોસ્ટેલ તથા રૂા. પ.૦૮ કરોડના ખર્ચે બનાવાયેલા પ્રાથમિક શાળાઓના ૬૦ ઓરડાઓનું પણ લોકાર્પણ કર્યુ હતુ. પોશીના તાલુકાની વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ તથા સરસ્વતી સાધના યોજના અંતર્ગત દિકરીઓને સાયકલોનું પણ વિતરણ કરાયું હતું. રૂપાણીએ કહ્યું કે, એક સમય હતો કે બાળકો શાળાએ રડતા-રડતા જતા અને નામાંકનમાં ગુજરાત પછળ હતું પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૦૦ ટકા નામાંકનના ધ્યેય સાથે શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો. વર્તમાન ગુજરાત સરકારે આ કાર્યક્રમને વધુ પરિણામલક્ષી બનાવવા કમર કસી રાજ્યનું એક પણ બાળક શાળાએ ગયા વિનાનું ન રહે અને શિક્ષણ મેળવવાથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા શાળાપ્રવેશોત્સવથી સુનિશ્ચિત કરી છે. આદિજાતિ વિસ્તાર એવા પોશીના પટ્ટા સહિત સમગ્ર રાજ્યના વાલીઓ પાસેથી બાળકોને ભણાવાવનું વચન માંગતા રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રતિવર્ષ શિક્ષણના પાછળ રૂા. ર૭ હજાર કરોડ જેટલો માતબર ખર્ચ કરે છે. બાળકોને મફત શિક્ષણ-ગણવેશ-પુસ્તકો અપાય છે તેની પાછળ બાળકો શિક્ષણ મેળવે તેવો ધ્યેય છે.  આદિજાતિ વિસ્તારમાં ૪પ એકલવ્ય શાળાઓ ઉભી કરી છે અને પપ૦ થી વધુ આશ્રમશાળાઓ ચાલે છે. બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ વગેરે જગાએ મેડીકલ કોલેજનો નિર્ણય કર્યો છે. આદિજાતિ પટ્ટામાં શિક્ષકોની ભરતી પણ વેગવાન બનાવી છે તે જ પુરવાર કરે છે કે રાજ્ય સરકારે આદિજાતી બાળકોના શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે.