સંવનનકાળને ધ્યાનમાં રાખી ગીરમાં આજથી સિંહોનું ચાર માસનું લાંબુ વેકેશન
ગીરના સિંહ સહિત અન્ય વન્યજીવોના સંવનનકાળને ધ્યાનમાં રાખીને ગીરમાં આજથી સિંહોનું ચાર માસનું લાંબુ વેકેશન પડ્યું છે. સિંહ સહિત અન્ય પ્રાણીઓનો પણ ચોમાસા દરમિયાન પ્રજનન કાળ હોવાથી તેને અનુલક્ષીને તેમને ખલેલ પહોંચ નહીં તે માટે ગીરમાં આવેલા સફારી પાર્કમાં સિંહદર્શન બંધ રાખવામાં આવે છે. 15 જૂનથી વિધિવત ચોમાસુ પણ બેસતું હોવાથી સાસણ ગીરના જંગલમાં આવેલા જુદા જુદા રૂટના કાચા રસ્તા પણ ખરાબ થઈ જતા હોવાથી તેમાં પ્રવાસીઓને લઈ જતી જીપ્સી અંદર જઈ શકતી નથી. આ અંગે વનવિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે જેટલા વન્ય પ્રાણી છે સિંહ, દીપડો, ચિત્તલની બ્રીડિંગ સાઈકલ વર્ષાઋતુમાં શરૂ થાય છે જેથી સાસણ ગીર સેન્ચુરીના વિવિધ રૂટ બંધ કરવામાં આવે છે અને ચાર માસ સુધી વેકેશન રહે છે. 15 ઓક્ટોબરના વેકેશન પૂર્ણ થયા બાદ પુન: લાયન સફારી ફરી શરૂ થશે. એક અંદાજ મુજબ ગત વર્ષે 5 લાખથી વધુ લોકોએ સાણસ ગીરની મુલાકાત લીધી હતી. સાસણ ગીર સેન્ચુરીના દરવાજા આજથી ચાર માસ માટે બંધ કરી દેવાયા છે પરંતુ સિંહ પ્રેમીઓએ નિરાશ થવાની જરૂર નથી. ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક અને દેવળિયા પાર્કમાં સિંહોને નિહાળી શકાશે. વનવિભાગના જણાવ્યા મુજબ માત્ર સાસણ ગીરમાં સિંહોની વસતી વધુ હોવાથી ત્યાં સંવનનકાળને ધ્યાનમાં રાખીને ચાર મહિના લાંબુ વેકેશન રહેશે જ્યારે આંબરડી અને દેવળિયા સફારી માર્ક પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે જેથી સિંહપ્રેમીઓ અહીં આવી સિંહદર્શન કરી શકશે.