સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (22:58 IST)

લ્યો બોલો!! મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત હોવા છતાં વોટ આપી શકે એ માટે કરાઇ આ ખાસ વ્યવસ્થા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને આડે ગણતરીના કલાકો બાકી છે. તો બીજી તરફ દેશ તથા ગુજરાતમાં કોરોનાની કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય પક્ષો જે રીતે પ્રચાર કરી રહ્યા છે એ જોઇને લાગે છે કે તેમને કોરોના સાથે કંઇ લેવા દેવા જ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર 14 ફેબ્રુઆરીએ વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચક્કર આવી જતાં બેભાન થયેલા CM વિજય રૂપાણી કોરોનાગ્રસ્ત હોવા છતાં આવતીકાલે પોતાનો “અમૂલ્ય” વોટ આપવા PPE કીટ પહેરીને મતદાન કરવા પહોંચશે.

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાલ અમદાવાદના યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અને તેઓ રાજકોટથી મતદાન કરવાના છે. માહિતી મળી છે કે મુખ્યમંત્રીને એમ્બ્યુલન્સમાં રાજકોટ લઇ જવાશે જ્યાં તેઓ PPE કીટ પહેરીને મતદાન કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સાંજે મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ કરાશે જો આ રિપોર્ટ નેગેટિવ આવશે તો પછી તેમને રજા આપી દેવાશે અને તેઓ સામાન્ય લોકોની જેમ મતદાન કરી શકશે. પણ જો આજ સાંજનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમને અલગ એમ્બ્યુલન્સમાં રાજકોટ લઇ જવાશે અને ત્યાં તેઓ મતદાનના છેલ્લા કલાકોમાં PPE કીટ પહેરીને મતદાન કરશે.

આ મતદાનમાં કોરોનાગ્રસ્ત મતદાતાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનના અંતિમ કલાકોમાં કોરોનાગ્રસ્ત મતદાતાઓ નિશ્ચિત પ્રોટોકોલ સાથે PPE કીટ પહેરીને મત આપી શકે એવી વ્યવસ્થથા કરવામાં આવી છે.