ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (13:04 IST)

આવતીકાલે 6 મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન,25 ટકા થી વધુ મતદાન મથકો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા

સુરતમાં અડધો અડધ એટલે કે 3185માંથી 1522 મતદાન મથકો જોખમી

ભાવનગર મહાનગરપાલિકામાં એક પણ મતદાન મથક અતિ સંવેદનશીલ નથી. 
 
આવતીકાલે રવિવારે રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો માટે મતદાન થશે. ચૂંટણી આયાગે મુક્ત અને ન્યાયી મતદાન થાય, કાયદો અને વ્યવસ્થા જળવાય તે ઉદ્દેશ્યથી કુલ 11 હજાર 121 માંથી 2754 મતદાન મથકો સંવેદનશીલ અને 467 મથકો અતિ સંવેદનશીલ જાહેર કરીને પોલીસ બંદોબસ્ત તહેનાત કર્યો છે. એટલે કે 25 ટકા થી વધુ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.  જેમાં સૌથી વધુ જોખમી મતદાન મથકો સુરત શહેરમાં છે. સુરત કોર્પોરેશનની 120 બેઠકો માટે 484 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, સુરતમાં 3185માંથી 1522 મતદાન મથકો જોખમી છે. એટલે કે અડધો અડધ મતદાન મથકો સંવેદનશીલ છે. અત્રે નોંધવું જરૂરી છે કે ભાવનગર મહાનગરપાલિકામાં એક પણ મતદાન મથક અતિ સંવેદનશીલ નથી. 
છ મહાનગરોમાં 31 હજાર 230 પોલીસને બંદોબસ્તમાં ઉતારવાના આદેશ
રાજકોટ મહાનગરપાલિકાના 991 મતદાન મથકોમાંથી 297 મતદાન મથકો સંવેદનશીલ અને 19 મતદાન મથકો અતિ સંવેદનશીલ હોવાનું રાજ્ય ચૂંટણીપંચના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાના 469 મતદાન મથકોમાંથી 121 મતદાન મથકો સંવેદનશીલ અને એક પણ મતદાન મથક અતિસંવેદનશીલ નથી જે સૌથી નોંધનીય બાબત છે અને જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 645 મતદાન મથકો માંથી 312 મતદાન મથકો સંવેદનશીલ અને 11 અતિ સંવેદનશીલ મતદાન મથકો હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદમાં 191 બેઠકો માટે 771  ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને 4536 માંથી 425 મતદાન મથકો જોખમી છે. 6 કોર્પોરેશનમાંથી ભાવનગર શહેરમાં એક પણ અતિસંવેદનશીલ નથી ! રવિવારે મુક્ત અને ન્યાયી મતદાન થાય તેના માટે ચૂંટણી આયોગે છ મહાનગરોમાં 31 હજાર 230 પોલીસને બંદોબસ્તમાં ઉતારવાના આદેશ કર્યો છે.
3411 મથકો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રખાશે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતના પોલીસ વડા આશીષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ બંદોબસ્તની માહિતી અને અત્યાર સુધી કરાયેલી કામગીરીની માહિતી આપી હતી. રાજ્યમાં એક મહિનામાં 1401 ભાગેડુ આરોપીઓ પકડી પાડયા, 14486 હથિયારો જમા કરાયા, 97 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરાઈ, રાજ્યમાં 8 કરોડનો દારૂ જપ્ત કરાયો, તમામ 3411 મથકો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રખાશે. તેમજ બૂથ અને સ્ટ્રોગરૂમ પર ચુસ્ત બંદોબસ્તની માહિતી આપી હતી.
કલેકટરે મતદાન માટે હેલ્પલાઇન શરૂ કરી
અમદાવાદ કલેક્ટર દ્વારા કલેકટર કચેરીમાં હેલ્પલાઇન શરૂ કરી છે.આ હેલ્પલાઇન દ્વારા મતદાર મતદાનને લગતી તમામ માહિતી મેળવી શકશે.મતદારે ક્યાં બુથ પર વોટિંગ કરવા જવું તે માટેની માહિતી આ હેલ્પ લાઇન સેન્ટર દ્વારા પૂરી પાડવામાં આવશે.અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલે એ જણાવ્યું કે લોકો વધા વધુ મતદાન કરે તે માટે અમે મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે સાથે જ લોકોને તે અંગેની પૂરી જાણકારી મળે તે માટે પણ અને અલગ અલગ જગ્યાએ કેમ્પ કર્યા હતા ત્યારે મતદારને તેના બુથ વિશેની માહિતી સરળતાથી અને ઝડપથી મળી રહે તે હેતુથી સા હેલ્પ લાઇન અમે શરૂ કરી છે.જેમાં મતદારે કોલ કરીને પોતાનું નામ અને વોર્ડની નામ જણાવવાનું રહેશે.આ હેલ્પલાઈન  નં 079-27569105 થી 079-27569109 પર મતદાર ને મતદાન અંગેની તમામ માહિતી  મળી રહેશે.