બીએસએફે 2022 માં ગુજરાતના ભુજ સેક્ટરમાં 22 પાકિસ્તાની માછીમારો પકડ્યા, 79 બોટ કરી જપ્ત
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ વર્ષ 2022માં 22 પાકિસ્તાની માછીમારોને પકડ્યા હતા. BSFએ ગુજરાતના ભુજ સેક્ટરમાં ક્રીક અને હરામી નાળાના અત્યંત દુર્ગમ અને મુશ્કેલ પ્રદેશમાં 79 માછીમારી બોટ પણ જપ્ત કરી છે.
BSF દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, BSF ગુજરાતમાં કાયમી થાણા સ્થાપીને સરક્રીક અને હરામી નાલા વિસ્તારમાં તેની પકડ વધુ મજબૂત કરી રહ્યું છે. BSF 7,419 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન સરહદની રક્ષા કરે છે. 250 કરોડની કિંમતના હેરોઈનના પચાસ પેકેટ અને રૂ. 2.49 કરોડની કિંમતના 61 પેકેટ પણ ગુજરાતના દરિયાકાંઠાના અને ખાડી વિસ્તારોમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા, એમ ફોર્સે જણાવ્યું હતું.
BSF ગુજરાતને શ્રેય આપતાં નિવેદનમાં જણાવાયું છે કે તે રાજસ્થાનના બાડમેરથી ગુજરાતના કચ્છના રણ અને સરક્રીક સુધી પાકિસ્તાન સાથેની 826 કિલોમીટરની સરહદને સુરક્ષિત કરવા માટે જવાબદાર છે. તેમાં ગુજરાતનો 85 કિમી સુધીનો દરિયાકાંઠાનો વિસ્તાર પણ સામેલ છે.
વધુમાં જણાવ્યું હતું કે 22 ભારતીયો, ચાર પાકિસ્તાનીઓ, બે કેનેડિયનો અને એક રોહિંગ્યાની ગેરકાયદેસર સીમા પાર પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ સરહદના વિવિધ સ્થળોએ ધરપકડ કરવામાં આવી હતી. BSF ગુજરાતે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દિલ્હીથી કન્યાકુમારી સુધી સાયકલ રેલી જેવા વિવિધ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, એમ નિવેદનમાં જણાવાયું છે.
BSF ગુજરાતે રાજ્ય સરકારના સહયોગથી 31 ઓક્ટોબર 2022ના રોજ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ હતા. નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, BSF ગુજરાતે વિવિધ નાગરિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું અને દુકાનોને આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડી હતી અને સરહદી વસ્તી માટે મફત મેડિકલ કેમ્પ અને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
BSF કૌશલ્ય વિકાસ કાર્યક્રમોનું પણ આયોજન કરે છે અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને અન્ય દળોમાં ભરતી માટે ફ્રન્ટલાઈન યુવાનોને તાલીમ આપે છે.