પદમાવતી ફિલ્મની રિલિઝ અટકાવવા માટે ભાજપ પણ મેદાનમાં
પદમાવતી ફિલ્મમાં ક્ષત્રિય અને રાજપૂત સમાજની લાગણી દુભાય તે રીતે ઇતિહાસને મરોડવાનું કામ કરાયું છે. જેની સામે ગુજરાતના 17થી વધુ જિલ્લાઓમાંથી રાજપૂત અને ક્ષત્રિય સમાજ સહિત વિવિધ સમાજ દ્વારા ભાજપને રજૂઆત કરવામાં આવી હતી કે, આ ફિલ્મ રિલીઝ થતાં અટકાવવામાં આવે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ ભાજપ સરકાર વિરુદ્ધ વિવિધ સમાજ દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે. ગુજરાતની ચૂંટણીમાં જ્ઞાતિવાદ ફેક્ટર ખૂબ જ અગત્યનું બની રહેશે તેવું વિશ્લેષકો માની રહ્યાં છે, ત્યારે ભાજપ દ્વારા ફિલ્મ 'પદ્માવતી'નો વિરોધ કરી ક્ષત્રિય અને રાજપૂત સમાજનો સાથ લેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ભાજપના પ્રવક્તા આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, ફિલ્મ 'પદ્માવતી' ગુજરાતમાં રિલીઝ ન થાય તે માટે કેન્દ્રીય ચૂંટણીપંચને રજૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણીપંચ સમક્ષ ગુજરાતમાં ફિલ્મ 'પદ્માવતી'ની રિલીઝ પર પ્રતિબંધની માગણી કરાશે. વિવિધ સમાજની રજૂઆત બાદ ભાજપના કેટલાક નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ભરતસિંહ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, જયદ્રતસિંહ પરમાર, કિરિટસિંહ રાણાએ ચર્ચા કર્યા બાદ આ અંગે કેન્દ્રીય ચૂંટણીપંચને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો