અમદાવાદમાં બુલેટ ટ્રેનના રૂટમાં 30થી વધુ બિલ્ડિંગો તૂટવાની શક્યતા
અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે આગામી સપ્તાહે જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેનું જાહેરનામું બહાર પાડવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માટે દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં અમદાવાદથી વડોદરા સુધીની જમીન સંપાદનની કામગીરી હાથ ધરાશે. જેનાં કારણે અમદાવાદથી સાબરમતી, કાલુપુર, મણિનગર અને વટવાની ૩૦થી વધુ બિલ્ડિંગો તૂટવાની શકયતા છે
. કેન્દ્ર સરકારનાં આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ માટે બુલેટ ટ્રેનનાં ટ્રેક આડે આવતા અમદાવાદ અને વડોદરાની કુલ પ૦થી વધુ બિલ્ડિંગો તૂટશે. પૂર્વથી પશ્ચિમ તરફ ટ્રેકની દિશા બદલાતી હોવાથી અમદાવાદનાં ૩૦થી વધુ બિલ્ડિંગો તૂટી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોનાં આધારે મળેલ જાણકારી અનુસાર સૌથી વધુ બિલ્ડિંગ અમદાવાદ અને ત્યાર બાદ વડોદરા નજીક તૂટશે. સામાન્ય સંજોગોમાં કામગીરી દરમ્યાન બનતા પ્રયત્ને રોડ બંધ ન કરવામાં આવે તેવા પ્રયત્નો હાથ ધરાશે. જમીન સંપાદન બાબતે અધિકારીઓને લોકોનાં વિરોધનો સામનો કરવો પડે તેવી ભીતિ સેવાઇ રહી છે.