પેટાચૂંટણી ખર્ચ બદલ અમરાઇવાડીના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી પંચની નોટિસ
અમરાઇવાડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલને ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી છે. નોટિસમાં ચૂંટણી પેટે કરાયેલ ખર્ચ અગાઉ ચૂંટણી માટે નક્કી કરાયેલા બેન્ક એકાઉન્ટમાંથી કરવાનો હોય છે,પણ, બંને ઉમેદવાર તેમ કરવામાં નિષ્ફળ રહેતા ચૂંટણી પંચે તાત્કાલિક ખુલાસો કરવાની તાકીદ કરી છે.ભાજપના ઉમેદવાર જગદીશ પટેલના હાથ પર રૂ. 1.81 લાખ અને કોંગ્રેસના ઉમેદવાર પાસે રૂ. 1.70 લાખ હતા, જે બેન્ક ખાતામાં જમા કરાવ્યા ન હતા. ચૂંટણી પંચના સૂત્રોના કહ્યા પ્રમાણે દરેક ઉમેદવારે ચૂંટણી ખર્ચ કરવા માટે અલગથી બેંક એકાઉન્ટ ખોલવાનું હોય છે. આ એકાઉન્ટમાંથી જ ખર્ચ કરવાનો હોય છે. ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારોથી ભૂલ એ થઇ છે કે, તેમણે ઉમેદવારીપત્રક ભરતી વખતે હાથ પરની રોકડ દર્શાવી તે પહેલા ચૂંટણી ખર્ચ માટે ખોલાવાયેલ બેન્ક એકાઉન્ટમાં જમા કરવાની હોય છે. ઉમેદવારીપત્રક ભરતી વખતે ભાજપના ઉમેદવાર જગદીશ પટેલના હાથ પર રૂ. 1.81 લાખ અને કોંગ્રેસના ઉમેદવારના હાથ પર રોકડ રકમ રૂ. 1.70 લાખ હતી. આ રકમ તેમણે ચૂંટણી ખર્ચ માટેના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાની હોય છે,પણ બંને ઉમેદવારે તેમ ન કરતા છેવટે ચૂંટણી પંચે નોટિસફટકારી છે. ચૂંટણી પંચે બંનેને નોટિસ ફટકારીને આ બાબતે તાત્કાલિક ખુલાસો કરવાની પણ તાકીદ કરી છે. નોંધનીય છે કે, અમરાઈવાડીના વર્તમાન ધારાસભ્ય એચ.એસ. પટેલ સાંસદ બનતા આ બેઠક ખાલી પડી હતી. 21 ઓક્ટોબરે અમરાઈવાડી સહિત રાજ્યની 6 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.