ભાયાવદરમાં સેક્સ સ્ટેમિનાની દવાના નામે મોટું કૌભાંડ: 3 બોગસ કોલ સેન્ટર પર દરોડા, 10 આરોપી ઝબ્બે
રાજકોટ ગ્રામ્યના ભાયાવદરમાં સેક્સ સ્ટેમિના વધારવાની આયુર્વેદિક દવાનો ઓનલાઈન વેપાર ચલાવી લોકો સાથે છેતરપિંડી અને બ્લેકમેઇલિંગ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાયાવદર પોલીસે ૨૨ ઓક્ટોબર,2026 ના રોજ શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ સફળ દરોડા પાડીને ગેરકાયદેસર રીતે ચાલતા ત્રણ બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યાં હતાં. આ કૌભાંડના આરોપીઓ કોઈપણ પ્રકારના લાયસન્સ કે આધારભૂત દસ્તાવેજો વિના, બોગસ ડોક્ટરની ઓળખ ધારણ કરીને ગ્રાહકોને વેબસાઇટ મારફતે પોતાની જાળમાં ફસાવતા હતા.
ગ્રાહકોને અશ્લીલ સાહિત્ય અને બ્લેકમેઇલિંગ દ્વારા ધમકી
આરોપીઓ માત્ર ઓનલાઈન દવાઓ વેચવા પૂરતા સીમિત ન હતા, પરંતુ ગ્રાહકોને અશ્લીલ સાહિત્ય મોકલીને દવા ખરીદવા માટે પ્રેરિત કરતા હતા. જો કોઈ ગ્રાહક દવા ખરીદવાનો ઓર્ડર કેન્સલ કરવાની કોશિશ કરે, તો આરોપીઓ તેને પરિવારજનોને જાણ કરવાની તેમજ જેલમાં મોકલી દેવાની ધમકીઓ આપીને નાણાં પડાવતા હતા. આ મામલે પોલીસે કુલ 10 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે કૌભાંડમાં સામેલ અન્ય ૫ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ત્રણ અલગ-અલગ સ્થળોએ પોલીસના દરોડા
ભાયાવદર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઉમિયાનગર, સિનેમા રોડ અને મતવા શેરી વિસ્તારમાં એકસાથે દરોડા પાડ્યા હતા. જેમાં ઉમિયાનગરમાં ખોડીદાસ માકડીયાની ઓફિસ, સિનેમા રોડ પર અહેમદરઝા મુલતાણીની ઓફિસ અને હાર્દિક ખાંભલાના મકાનમાંથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે આરોપીઓ કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ અને ઈન્ટરનેટ સાધનોનો ઉપયોગ કરીને દેશભરના ઓનલાઈન ગ્રાહકોનો સંપર્ક કરતા હતા.
આયુર્વેદિક પ્રોડક્ટ્સના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી
આરોપીઓ સેક્સ સ્ટેમિના વધારવાની અને વિટામિન B-12 તેમજ 'ન્યુરો શક્તિ પ્લસ' સંબંધિત આયુર્વેદિક પ્રોડક્ટ્સ વેચવાના નામે ગ્રાહકોને લલચાવતા હતા. આ માટે તેઓ ખોટા ડોક્ટર બનીને bedroomboss.in/Gujarat/ નામની વેબસાઇટનો ઉપયોગ કરતા હતા. ઓર્ડર કન્ફર્મ થયા બાદ જો ગ્રાહક તેને રદ કરવાનો પ્રયાસ કરતો, તો તેમને વોટ્સએપ મારફતે માનસિક ત્રાસ આપીને ધમકીઓ આપવામાં આવતી હતી.
સરકારી સંસ્થાઓના બોગસ લોગોનો દુરુપયોગ
ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે આ ટોળકી સરકારી અને આરોગ્ય સંબંધિત માન્ય સંસ્થાઓના લોગોનો ગેરકાયદે ઉપયોગ કરતી હતી. વેબસાઇટ પર આયુષ મંત્રાલય, નેશનલ હેલ્થ ઓથોરિટી અને ભારત સરકારની PM-JAY યોજનાના લોગો પ્રદર્શિત કરવામાં આવતા હતા. આ ઉપરાંત, ગ્રાહકોને ભ્રમિત કરવા માટે અંગ્રેજી અખબારોના બનાવટી કટિંગ્સ અને ખાનગી સંસ્થાઓના લોગાનો પણ સહારો લેવામાં આવતો હતો.
બોગસ રિવ્યૂ અને ૫૦ ટકા ડિસ્કાઉન્ટની લાલચ
ગ્રાહકોને આકર્ષવા માટે વેબસાઇટ પર આશરે ૫૦ ટકા જેટલું જંગી ડિસ્કાઉન્ટ દર્શાવવામાં આવતું હતું. એટલું જ નહીં, વિવિધ વ્યક્તિઓના ફોટા સાથે આ દવાનો ઉપયોગ કર્યા બાદ પોઝિટિવ પરિણામ મળ્યા હોવાના બનાવટી અનુભવો (રિવ્યૂ) મૂકવામાં આવ્યા હતા. અમદાવાદ, બેંગલુરુ, દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોના લોકોને આ દવાથી ફાયદો થયો છે તેવું ફેક લિસ્ટ રજૂ કરીને ગ્રાહકોને ફસાવવામાં આવતા હતા.
રૂ. 5.16 લાખનો મુદ્દામાલ જપ્ત અને આરોપીઓ સામે કાર્યવાહી
ભાયાવદર પોલીસે દરોડા દરમિયાન ત્રણેય સ્થળોએથી 18 કમ્પ્યુટર-લેપટોપ, 33 કીબોર્ડ-માઉસ, 23 મોબાઈલ ફોન, 3 બ્રોડબેન્ડ રાઉટર અને લાઇટ બિલ સહિત કુલ રૂ. 5,16,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા 10 આરોપીઓમાં ખોડીદાસ માકડીયા, કૌશિક વાળા, મીત બેડવા, ચેતન રાઠોડ, અહેમદરઝા મુલતાણી, રાજેશ પરમાર, મનવીર ખાંભલા, અહેમદરઝા કાદરી, નાશીર લાખા અને જીલ ખાણીયાનો સમાવેશ થાય છે. જ્યારે ફરાર આરોપીઓ હાર્દિક ખાંભલા, જયદીપ ગોહિલ, રાહુલ, ફૈઝલ રજાકભાઈ અને નિશાંત ભટ્ટની પોલીસ દ્વારા સઘન શોધખોળ ચાલુ છે.

