ભાનુશાળી હત્યા કેસનો મુખ્ય સુત્રધાર છબીલ પટેલ પોલીસ સમક્ષ હાજર થયો
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કાવતરું રચવાનો આરોપ પૂર્વ ધારાસભ્ય અને રાજકીય હરીફ છબીલ પટેલ પર લાગ્યો હતો. હત્યા બાદ તે ફરાર હતો. વિદેશથી જેવો અમદાવાદ એરપોર્ટ આવ્યો કે તરત જ તેને પોલીસે દબોચી લીધો હતો. સવારે છબીલ પટેલ દુબઈથી ફ્લાઈટમાં આવ્યો હતો. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર પોલીસે તેની અટકાયત કરી હતી. રાણીપ સ્થિત રેલવે એસપી ઓફિસ ખાતે છબીલની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
જયંતી ભાનુશાળીની હત્યા બાદ વિદેશ ભાગી ગયેલો છબીલ પટેલ તેના સંબંધીઓ અને મિત્રોના સંપર્કમાં હોવાની પોલીસને જાણ હતી. તેથી તેનો પુત્ર સિધ્ધાર્થ પટેલની શોધખોળ ચાલતી હતી. તેવામાં ગોવાના ગેસ્ટ હાઉસમાં છુપાઈને રહેતો હતો તે સિધ્ધાર્થ પણ સામેથી પોલીસને શરણે થયો હતો. છબીલ પટેલ સંબંધીઓની ધરપકડ તથા તેની મિલકતો ટાંચમાં લેવાની પોલીસની તજવીજથી ગભરાઈને છબીલ ગમે ત્યારે પોલીસના શરણે થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. સાથે જ પોલીસે તમામ એરપોર્ટ પર લુક આઉટ નોટીસ પણ જાહેર કરી હતી.