ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 જૂન 2019 (14:11 IST)

બહુચરાજી મંદિરના આરસપહાણ પથ્થર કાળા પડી ગયા ભ્રષ્ટાચારી સામે પગલાં લેવા સીએમને રજૂઆત

ગુજરાતનું પ્રસિદ્ધ બહુચરાજીમાં રૂ. આઠ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં બહુચર માતાજીના મંદિરના બાંધકામમાં વપરાયેલો સફેદ આરસપહાણનો પથ્થર કાળો પડી ગયો હોઈ જે અંગે ધારાસભ્ય દ્વારા મુખ્ય પ્રધાનને ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના રાજવી દ્વારા 200 વર્ષ પૂર્વે બંધાવેલું બહુચર માતાજીનું મંદિર તોડી નવું બનાવવા રૂ. આઠ કરોડનો ખર્ચ કરી મંદિરનું કામ 2015માં પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનના સફેદ આરસપહાણના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરનું કામ પૂર્ણ થયું તે સમયે સભામંડપની ખામીઓ, ઘુમ્મટ વગેરે ખુલ્લા હોવા સહિતની અનેક ખામીઓ અંગે ટ્રસ્ટીઓએ જવાબદારો સામે પગલાં લેવાની તૈયારી દર્શાવી હતી. તે સમયે કોન્ટ્રાક્ટર સામે કંઈ ઉકાળી શક્યા નહોતા. પણ 2015માં ફાગણી પૂનમે મંદિરનું એક શિખર ઘસીને નીચે પડવાની ઘટના બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટર અને આર્કિટેકને મંદિરના બાંધકામમાં રહી ગયેલી ખામીઓ નજરોનજર બતાવી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન એવા જિલ્લા ક્લેક્ટરે એક મહિનામાં ખામીઓ દૂર કરવા સૂચના આપી સંતોષ માની લીધો હતો. પણ હવે મંદિરમાં વપરાયેલો સફેદ આરસ કાળો પડવા લાગ્યો છે. જેને લઇ આરસની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદારો સામે પગલાં લેવાની માગ બહુચરાજીના ધારાસભ્યે મુખ્ય પ્રધાનને કરી તેમણે જણાવ્યું હતુ કે, બહુચરાજી મંદિરના બાંધકામમાં વ્હાઇટ સ્ટોનની જગ્યાએ બ્લેક સ્ટોન વાપરી કરોડોનો ભ્રષ્ટાચાર કરાયો છે. જેની સરકારમાં વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ પગલાં ના લેતા કોન્ટ્રાકટર અને તંત્રની મિલીભગત જણાય છે. કામમાં ગેરરીતિ આચરનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ.