રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2019 (12:55 IST)

ખખડધજ રસ્તાઓથી નારાજ ગુજરાત હાઇકોર્ટે ચીફ સેક્રેટરીને કહ્યું- તમને શા માટે જેલમાં મોકલવા ન જોઈએ

ગુજરાતમાં ખરાબ રસ્તાને લઇને ગુજરાત હાઇકોર્ટે ચીફ સેક્રેટરી જેએન સિંઘને ઉધડા લીધા હતા. ગુજરાતમાં બિસ્માર રસ્તાને રિપેર કરવા માટે હાઇકોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ છતાં રોડ રસ્તા રિપેર ન કરતાં ગુજરાત હાઇકોર્ટે ચીફ સેક્રેટરીને કહ્યું કે તમને શા માટે જેલમાં મોકલવા ન જોઈએ. કોર્ટે આ મામલે ચીફ સેક્રેટરી જેએન સિંઘ પાસે જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું. આ મુદ્દે આગામી સુનાવણી 28 નવેમ્બર થશે. 
 
બિસ્માર રોડ અને ટ્રાફિકના મુદ્દે ગુજરાત હાઈકોર્ટેમાં સરકાર વિરૂદ્ધ કન્ટેમટ અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે ચીફ સેક્રેટરી જેએન સિંઘને નોટીસ ફટકારી હતી અને ગુજરાત હાઇકોર્ટના આદેશનું પાલન કરવા મુદ્દે ઝાટકણી કાઢી હતી. આ મુદ્દે ચીફ સેક્રેટરી જેએન સિંઘ જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ આઇકે જાડેજાએ ટ્વિટ કરીને બિસ્માર રોડને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. આઇકે જાડેજાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે અમદાવાદના બોપલ બ્રિજથી શાંતિપુરા ચોકડી સુધી ખરાબ રસ્તો છે. ઔડા (Ahmedabad Urban Development Authority)ના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રિજનું કામ કરી રહેલા કોન્ટ્રાકરોની કોઇ જવાબદારી બનતી નથી. 
 
અમદાવાદમાં શહેરમાં તુટેલા રોડ રસ્તાને મામલે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તાકીદે પગલા લેવાના આદેશ કર્યા હતા અને રોડની આવી બિસ્માર હાલત માટે જવાબદાર સામે પગલા લેવાનો પણ હૂકમ કર્યો હતો. છેલ્લા બે વર્ષથી આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મનપા દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. 
 
મનપા દ્વારા તુટેલા રોડ મામલે હાઇકોર્ટના આદેશ બાદ 90 અધિકારીને નોટિસ આપવામાં આવી હતી. ક્વોલિટી કામ ન કરતા વિજિલન્સ તપાસ ચાલતી હતી. રોડ મામલે 2 વર્ષથી આ ઈન્કવાયરી ચાલતી હતી. તપાસને અંતે દોષિત તમામ એન્જીનિયરોને રૂ 15 હજાર થી 50 હજારનો દંડ ફટકરવામાં આવ્યો હતો. 
 
રાજકોટમાં જર્જરિત રસ્તાને લઇને સ્થાનિક લોકોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. ખાડામાં સુઇ જઇને લોકોએ પ્રદર્શન કર્યું હતું, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઇ હતી.