શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 માર્ચ 2021 (11:47 IST)

માંગણીઓને લઇને ગુજરાતના રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે, AIMIM આપશે સમર્થન

અમદાવાદ રેલ્વે સ્ટેશન ઓટો રિક્ષા ડ્રાઈવર્સ યુનિયન અને જાગૃત ઓટોરિક્ષા ડ્રાઈવસૅ યુનિયનના દ્રારા તા. ૨૨/૦૩/૨૦૨૧ના રોજ સોમવારે ઓટોરિક્ષાની હળતાલ જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય અને અમદાવાદ જીલ્લાની અંદર આશરે નવ લાખ અને અઢી લાખ જેટલી ઓટો રીક્ષાના પરમીટ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યુવાનોને બેરોજગારીથી મુક્તિ અને પ્રજાને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મળી રહે તે બાબતે આપવામાં આવેલ સાધન છે. 
 
ઓટો રીક્ષા ચાલકોએ અસંગઠિત મજદૂર છે કે, જે રોજ લાવીને રોજ ખાય છે. અમદાવાદ જિલ્લામાં કુલ સાત રજીસ્ટર ટ્રેડ યુનિયનો છે.  જેમાંથી ચાર રજીસ્ટર ટ્રેડ યુનિયનો હાલની પરિસ્થિતિમાં નિષ્ક્રિય અને ત્રણ રજીસ્ટર ટ્રેડ યુનિયનો સક્રિય અવસ્થામાં છે. એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા કોવિડ કોરોના-૧૯ લોકડાઉનના કારણે રોજ લાવીને રોજ ખાતા આ ઓટો રીક્ષા ચાલકોની સ્થિતિ કફોડી બની છે. જેના કારણે ગુજરાત રાજ્યમાં ઘણા ઓટો રીક્ષા ચાલકોએ આત્મહત્યા કરી હતી. તેમજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર સહાયના નામે યોજના ઘડીને ઓટોરિક્ષા ચાલકોને લોલીપોપ આપવામાં આવી હતી. 
 
ગુજરાત રાજ્યના આશરે નવ લાખ ઓટો રીક્ષામાંથી ફક્ત ૮૨૦ ઓટોરિક્ષા ચાલકોને આ યોજના અંતર્ગત કોરોનાની નાણાકીય સહાય કરવામાં આવી હતી જે નહીવત સમાન છે. જેના કારણે ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયનો દ્વારા નામદાર હાઇકોર્ટ ઓફ ગુજરાત ખાતે એક રિટ પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારને ૨૮ દિવસમાં ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયનની માંગણી સાંભળીને યોગ્ય નિર્ણય લેવા જણાવેલ તે બાબતે પણ રાજ્ય સરકારે કોઈપણ પ્રકારના પગલાં ન ભરતાં આ ટ્રેડ યુનિયન દ્વારા નામદાર હાઈકોર્ટ ઓફ ગુજરાતના હુકમના અનાદર બાબતની પણ અરજી કરવામાં આવી હતી.
 
જેમાં ગુજરાત રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે, અમે વળતર આપવા બાબતનો છેલ્લો નિર્ણય કરી દીધો છે. પરંતુ ચૂંટણીના કારણે અમારા અધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત હોય અરજદારની હુકમની નકલ મોકલી ન હતી. અમે એક અઠવાડિયામાં આ હુકમની નકલ અરજદારને મોકલી આપીશું. તેમ છતાં આજ દિવસ સુધી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમો અરજદાર ને અમોના નામદાર હાઇકોર્ટ ઓફ ગુજરાત ખાતેની અરજીના અનુસંધાને કોઈપણ પ્રકારના હુકમ બાબતે જાણ કરવામાં આવી નથી. 
 
આમ હાઇકોર્ટનો હુકમ હોવા છતાં પણ ઓટો રીક્ષા ચાલકોની માંગણીઓને સાંભળવા માંગતી નથી. આમ જયારે કોર્ટે દંડની જોગવાઈ માટે હુકમ કરે તો તાત્કાલિક હુકમનું પાલન કરી પ્રજા પાસેથી કરોડો રૂપિયા વસુલાય છે પણ જયારે વળતરની વાત આવે છે ત્યારે આખ આડા કાન સરકાર દ્વારા કરવામાં આવે છે. ઓટોરિક્ષા ચાલકોને પડયા ઉપર પાટું સમાન હાલમાં ઓટો રિક્ષા ચાલકો નો વ્યવસાય પણ મંદીમાં ચાલતો હોવા છતાં ગુજરાત રાજયની સીએનજી ગેસ કંપનીઓ દ્વારા ગેસના ભાવમાં એક રૂપિયા ઉપર વધારો કરવામાં આવ્યો છે. 
 
એક એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં મોંઘવારી, સીએનજીના ગેસના ભાવમાં થયેલ વધારો, દંડની રકમ માં વધારો, ઈન્શ્યોરન્સની રકમમાં વધારો થયો હોવાછતાં ઓટો રિક્ષા ચાલકોના ભાડામાં વધારો કર્યો નથી. જયારે ઓટોરિક્ષા ચાલક પરિસ્થિતિ પ્રમાણે ભાડું માગે ત્યારે તેમને લૂંટારા જાહેર કરવામાં આવે છે.  તેમજ આ ભાડા નક્કી કરવાનો કાયદો પણ ફક્ત ઓટો રિક્ષા ચાલકો ઉપર જ પળાવવામાં આવે છે. 
 
ઓટોરિક્ષા એ લોકોને રોજગારી મળે તેનું સાધન હોય પરંતુ ઓટોરિક્ષા ચાલકોને મસ મોટો દંડ અને એમાં પણ ઓવરલોડ બાબતે ફક્ત ઓટોરિક્ષા ચાલકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય. બીજા દરેક પ્રકારના પરમીટ વાહનવાળાઓને ઈ-મેમો આપવામાં આવતો હોય નથી. આમ નાની-નાની બાબતે મેમો આપવામાં આવતો હોય. જેમાં પચાસ હજાર સુધીનો અમદાવાદમાં અને ૯૯ હજાર સુધીનો દંડ સુરત શહેરમાં ઈ-ચલણ દ્વારા આપવામાં આવેલ હોય.
 
ઓટો રીક્ષા ચાલકોની મિનિમમ ભાડું પંદર રૂપિયા છે. તેની સામે રેલવે સ્ટેશન અને એરપોર્ટ એ એક પબ્લિક સેક્ટર યુનિટ હોવા છતાં આવી જગ્યાએ ઓટોરિક્ષા ચાલકોને પાર્કિંગ નાણાં ચૂકવવાની જોગવાઈઓ કરે છે. જે ખરેખર અયોગ્ય છે. કારણકે આ પાર્કિંગ નાણાં જેતે ઓટોરિક્ષા ચાલક જેતે મુસાફર પાસેથી લેવાનો થાય છે. એટલે કે આ પ્રકારની પધ્ધતિ મુસાફર એટલે કે લોકોને લૂંટવાનો એક આડકતરો રસ્તો છે. જેના કારણે ઓટો રિક્ષા ચાલકો બદનામ થાય છે. 
 
જો ખરેખર ઓટો રીક્ષા ચાલકો અસામાજિક અને દૂષણ હોય તો સરકાર તેમને શું કરવા પરમિટ આપે છે. કેમ આ પ્રકારના ઓટોરિક્ષાના નવા પરમિટ બંધ કરવામાં આવતા નથી. ઓટો રિક્ષા ચાલકોનો વ્યવસાય રસ્તા ઉપર જ હોય અને જો રોડ ઉપર રીક્ષા સ્ટેન્ડ ના હોય તો ઓટો રીક્ષા વાળો ક્યાં ધંધો કરે. ઉપરથી પોલીસવાળા ઓટોરિક્ષાને રોડ પર ઉભી રાખવા બાબતે ઓટોરિક્ષાના સ્ટેન્ડની સંખ્યા ખુબજ ઓછી હોવાની તકનો લાભ લઈ આઈપીસીની કલમ ૧૮૮ અને ૨૮૩ નો દુરુપયોગ કરે છે. 
 
રિક્ષાચાલકો દ્રારા કહેવામાં આવ્યું હતું કે તેમની માંગણીને પુરી કરવામાં નહી આવે તો ઓટોરિક્ષા યુનિયન દ્વારા તારીખ.૨૨/૦૩/૨૦૨૧ ના રોજ સોમવારે અમદાવાદ શહેર ખાતે ઓટોરિક્ષા ચાલકની એક દિવસની પ્રતિક હડતાલ પર ઉતરશે, જો સરકાર અમારી ન્યાયિક માંગણીઓને પુરી કરવામાં નહી આવે તો પ્રાણ આપતા (આત્મહત્યા કરતા) અચકાશુ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે રિક્ષાચાલકોની હડતાળને AIMIM અને દલિત અધિકાર મંચ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે.