ડીસામાં CM ની સભામાં યુવાન સ્ટેજ પર ચડી ગયો, કાર્યકરોએ ખેંચીને નીચે ઉતાર્યો
ગુજરાત સરકારની ગૌરવયાત્રા બાદ ડીસામાં મુખ્યમંત્રીની વિશાળ જનસભાનું આયોજન થયું હતું. જો કે આ સભામાં ભારે હોબાળો થયો હતો. અચાનક એક યુવાન ભાજપનો ખેસ પહેરીને સીએમની સિક્યોરિટી વિંધતો સ્ટેજ પર ચડી જતા થોડા સમય માટે દોડાદોડી થઇ ગઇ હતી. જો કે પોલીસ અને કાર્યકરોએ તે યુવાનને વચ્ચે જ અટકાવીને નીચે ઉતારી દીધો હતો.સ્ટેજ પર જ્યારે કુદીને તે ચડ્યો ત્યારે તેના હાથમાં એક કાગળ હતો. જો કે ત્યાં હાજર કાર્યકરોએ યુવકના હાથમાંથી પત્ર છીનવી લીધો હતો અને પત્ર ખીસ્સામાં મુકી દીધો હતો. જો કે હજી સુધી આ પત્રમાં શું હતું તે અંગે કોઇ સ્પષ્ટતા થઇ નથી. લોકો પણ તે પત્રમાં શું હતું તે જાણવા માટે કાર્યકર્તા કોણ હતો તે ઓળખવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.
ડીસામાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૌરવ યાત્રા લઇને પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આ ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ છે. ડીસા માર્કેટ યાર્ડમાં આયોજીત કાર્યક્રમમાં કાર્યકરોનો હોબાળો મચ્યો હતો. જો કે આ વ્યક્તિ પ્રાથમિક અનુમાનમાં તલાટી હોવાનું સામે આવી રહ્યું છે. જો કે હાલ તો પોલીસે તેની અટકાયત કરી લીધી છે. પત્રમાં શું હતું તે જાણવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જો કે વ્યક્તિ જે રીતે મુખ્યમંત્રી સુધી પહોંચી ગયો તે સુરક્ષામાં મોટી ચુક છે.