રાજ્યમાં એકપણ નવો ડેમ ભાજપ સરકારે નથી બનાવ્યો, જો બનાવ્યો હોય તો મને બતાવો હું ભાજપમાં બેસી જઈશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા કોંગ્રેસે ભલે કંગાળ પ્રદર્શન કર્યું હોય પરંતુ ગૃહમાં સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો સરકારને એક પછી એક ચેલેન્જ આપી રહ્યાં છે. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ સરકારને ચેલેન્જ આપતાં કહ્યું હતું કે, ગુજરાતમાં એકપણ નવો ડેમ ભાજપ સરકારે નથી બનાવ્યો. નવો ડેમ બન્યો હોય તો મને બતાવો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ.આટલા લાંબા શાસનાં ભાજપની સરકારે માત્ર ચેકડેમ અને બોરીબંધો જ બનાવ્યાં છે.
ગેનીબેન ઠાકોરે બટાટાનો પ્રશ્ન ઉઠાવ્યો
બીજી તરફ બટાકાના ભાવ અંગે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, બટાકા, ડુંગળી, લસણનો સંગ્રહ ખેડૂત નથી કરી શકતા. છૂટક બજારમાં બટાકા 20 રૂપિયે કિલો મળી રહ્યા છે. સામે પક્ષે ખેડૂતો 2-3 રૂપિયે કિલો બટાકા વેચી રહ્યા છે. બટાકામાં થતા 12 પ્રકારના ખર્ચનું સરકાર વળતર આપે. ખેડૂતોની ડબલ આવક કરવાની વાત કરીએ છીએ તો યોગ્ય ભાવ પણ આપો. ગેનીબેનના આક્ષેપો અંગે મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં જવાબ આપતાં કહ્યું, સામાન્ય કરતા આ વર્ષે બટાકાના વધારે ઉત્પાદનની શક્યતા છે. બટાકાના ભાવમાં ઘટાડો અટકાવવા સરકારે પ્રયત્ન કર્યો છે, અન્ય રાજ્યોમાં જતા બટાકાનો યોગ્ય લાભ આપવા સહાય જાહેર કરી છે.