અંબાજી મંદિર ISO 9001:2015 સર્ટિફિકેટ મેળવનારું ગુજરાતનું પ્રથમ યાત્રાધામ બન્યું
દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટિફિકેટ ધરાવતું પવિત્ર યાત્રાધામ બન્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ISO 9001 : 2015 સર્ટીફિકેટ યાત્રાધામ વિકાસમંત્રી દિલીપ ઠાકોર અને વિભાવરીબહેન દવેની ઉપસ્થિતિમાં પ્રવાસન-યાત્રાધામ સચિવ મમતા વર્મા અને આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ, બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલેને ગાંધીનગરમાં અર્પણ કરાયું હતું.
આદ્યશકિત પીઠ અંબાજી મંદિરની આ પ્રમાણપત્ર માટે પસંદગી કરવામાં આવી. સમગ્ર મંદિર પરિસરના સુઆયોજિત સંચાલન, ગબ્બર પરની સુવિધાઓ તેમજ પ્રસાદ અને અન્ય ખાદ્ય સામગ્રી તેમજ યાત્રી નિવાસ સગવડતાઓના સરળ સંચાલન સાથે જ અંબાજી વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન અને સેવાકીય પ્રવૃત્તિઓને પગલે આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાર્ન્ડડાઇઝેશન ISO એ યુ.કે બેઝડ સંગઠન છે અને જે-તે સંસ્થા-સંગઠનોને તેની ગુણવત્તાયુકત સેવાઓ, પર્યાવરણ જાળવણીના ઉપાયો તથા સુરક્ષા-સલામતિની સર્વગ્રાહી બાબતોના મૂલ્યાંકનના આધારે ISO સર્ટીફિકેશન માટેની પસંદગી આ સંસ્થા કરે છે. ISO ના માનદંડો પર અંબાજી મંદિર ટ્રસ્ટ સફળ નિવડતાં આ સર્ટીફિકેશન પ્રાપ્ત થયું છે. આ સર્ટીફિકેટ ૩ વર્ષ માટે માન્ય રહે છે. એટલું જ નહિ, દર વર્ષે સર્વેલન્સ ઓડિટ દ્વારા જે-તે સુવિધાઓની ગુણવત્તામાં સુધારાની ચકાસણી પણ થતી હોય છે.
આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને આ ISO 9001 : 2015 સર્ટીફિકેટ અંબાજી યાત્રાધામમાં આવતા યાત્રિકોને પૂજા, યજ્ઞ, પાર્કિંગ, દાન-ભંડોળ, તત્કાલ તબીબી સેવાઓની ઉપલબ્ધિ પ્રસાદ વ્યવસ્થા, નિવાસ સુવિધા વગેરે બાબતોની જાણકારી માટે ડેડીકેટેડ હેલ્થ સેન્ટરની સુવિધા, સાયન્ટીફિક એપ્રોચ સાથેના સી.સી.ટીવી સર્વેલન્સ તથા સ્ટ્રેટેજિક લોકેશન્સ ઉપર વ્યૂહાત્મક સુરક્ષા નિગરાની તેમજ સુરક્ષિત અને હાઇજેનીક-આરોગ્યપ્રદ ખોરાક-ભોજન પ્રસાદ જેવી વિવિધ સગવડતાઓમાં શ્રેષ્ઠતા માટે એનાયત થયું છે.