સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અંબાજી: , શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (13:00 IST)

જગત જનની મા અંબાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ, 12થી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું

પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. દૂરદૂરથી પદયાત્રા દ્વારા અંબાજી પહોંચેલ લાખો માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. જેમ જેમ ભાદરવી પૂનમના મેળાનો દિવસ નજીક આવતી જાય છે, તેમ-તેમ ભાવિક ભક્તોનો ધસારો વધતો જાય છે. ચાર દિવસમાં મંદિરમાં 12.19 લાખ કરતા વધુ શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો છે. તો બીજી તરફ મેળાના 4 દિવસમાં મંદિરને દાન ભેટની કુલ 2. 73 કરોડ રૂપિયાની આવક થઈ છે.  અંબાજી મેળામાં જતા મુસાફરોને સુરક્ષા કવચ લેવાયું છે. અંબાજી મંદિર ટ્રસ્ટે તમામ યાત્રિકોનો વીમો ઉતરાવ્યો છે. અંબાજીના 20 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પણ ઘટના બને તો યાત્રિકને વીમાનો લાભ મળશે. કોઈ પણ માનવ સર્જીત કે કુદરતી આફત સામે વીમા કવચ મળી રહેશે. 
અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે. રસ્તાઓ ઉપર ઘણી જગ્યાએ ગરબાની રમઝટ જોવા મળે છે. માતાજીના આ પવિત્ર અને દિવ્ય પ્રસંગમાં ઘણા માઇભક્તો ગરબામાં જોડાઇ જાય છે અને ગરબા રમીને માતાજીની આરાધના કરે છે. 
 
અંબાજી મુકામે મીની મહાકુંભના દર્શન સમાન માહોલ જોવા મળે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોની પધરામણીથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. દિવસોથી રાત-દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ સુખ-સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યાં છે. 

 
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાના સમગ્ર આયોજન અને વ્યવસ્થા સહિતની અન્ય સુવિધાઓ માટે યાત્રિકોને કોઇ તકલીફ ન પડે તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સેવાભાવ સાથે ખડેપગે સેવામાં રહે છે. લાખો યાત્રિકો અંબાજીમાં કરાયેલ વિવિધ વ્યવસ્થાઓ અને સ્વચ્છતા સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલ કામગીરીની સરાહના કરી રહ્યાં છે. દર્શન માટે અંબાજી મંદિર પરિસરમાં સારી વ્યવસ્થા હોવાથી યાત્રિકોની લાંબી લાઇનો છતાં કોઇને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડતુ નથી. પ્રસાદ કેન્દ્રો પણ પુરતી સંખ્યામાં હોવાથી યાત્રિકોને કોઇ તકલીફ પડતી નથી. 
 
ભાદરવી મહામેળા પ્રસંગે અંબાજી ચાલતા- પદયાત્રા દ્વારા જવાનો ખાસ મહિમા છે. આદ્યશક્તિ મા અંબે શક્તિ સ્વરૂપ હોવાથી ચાલીને, કષ્‍ટ વેઠતા અંબાજી જવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે તેવી પણ માન્યતા છે. ઉપરાંત ભાદરવી મહામેળા પછી આસો માસમાં નવરાત્રિ આવે છે. આથી નવરાત્રિમાં પોતાના ગામની માંડવડીમાં રમવા પધારવા માતાજીને આમંત્રણ આપવા માઇભક્તો ચાલતા અંબાજી આવે છે. માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન ગબ્બર હોવાની માન્યતા છે. અંબાજી આવતા યાત્રિકો પૈકી ઘણા યાત્રિકો નિયમિત ગબ્બર દર્શન કરવા જાય છે. 
ગબ્બર ખાતે માતાજીના તમામ સ્વરૂપો સમાન ૫૧ શક્તિપીઠોનાં મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શક્તિપીઠોના અસલ મંદિરો જેવા જ મંદિરો ગબ્બર પરિક્રમા પથ ઉપર બનાવાયા છે. તેમજ અસલ મંદિરોમાં જેવી પૂજા  થાય છે તેવી જ પૂજા અહીં પણ થાય છે.
સામાન્ય રીતે કોઇ માણસને તેના જીવનમાં તમામ શક્તિપીઠોનાં દર્શન થાય તે કામ બહુ કપરૂ છે. કારણ કે દેશ, વિદેશમાં આવેલ તમામ શક્તિપીઠોના દર્શન કરવાનું દરેક માટે શક્ય નથી. પરંતુ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠોના મંદિરોનું નિર્માણ થતાં યાત્રિકો અહીં દર્શન કરી ધન્ય બને છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ધ્વારા ગબ્બર ઉપર અને શક્તિપીઠોમાં તમામ સ્થળોએ સારી સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. અંબાજી ભાદરવી મહામેળા પ્રસંગે દૂરદૂરથી લાખો લોકો અંબાજી આવી માતાજીના દર્શન કરીને ધન્ય બને છે. અંબાજી મંદિર કરોડો શ્રદ્ધાળુઓની ભક્તિ અને આસ્થાનું પરમ પવિત્ર તીર્થસ્થાન છે. મહામેળા પ્રસંગે પદયાત્રા કરીને અંબાજી આવતા યાત્રિકોએ જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરાયેલ સુવિધાઓથી યાત્રાળુઓ પ્રભાવિત થયા છે.