ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 ઑક્ટોબર 2021 (12:36 IST)

અમદાવાદની મહિલાએ પ્રેમીને પામવા પતિને છુટાછેડા આપ્યા, પ્રેમીએ કહ્યું હું કુંવારો અને તું ત્રણ બાળકોની માતા છે મારો પરિવાર તને નહીં સ્વીકારે

અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પ્રેમી સાથે લગ્ન કરવા માટે પતિને છૂટાછેડા આપી અને બાળકોને છોડી દીધા હતા. જો કે પ્રેમીએ આખરે પ્રેમમાં દગો આપી "હું કુંવારો છું અને તું ત્રણ બાળકોની માતા છે" મારા પરિવારવાળા સ્વીકારવાની ના પાડે છે. એમ કહી લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે પરિણીતાએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે પરિણીતાને પતિ પાસે પરત જવું હોય તેઓને ફોન કરી જાણ કરી હતી પરંતુ પતિએ અને બાળકોએ સાથે રહેવાની ના પાડી દીધી હતી. પ્રેમીએ દગો આપી છોડી દેતા અને પૂર્વ પતિએ પણ રાખવાની ના પાડતા મહિલાને રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે કાર્યવાહી માટે હેલ્પલાઇનની ટીમે મોકલી આપ્યા હતા.
 
પ્રેમિકાએ પતિને ડરાવી ધમકાવી છુટાછેડા લીધા
મહિલા હેલ્પલાઇન અભયમ 181ને રામોલ વિસ્તારમાંથી પરિણીતાનો ફોન આવ્યો હતો કે તેઓનો બોયફ્રેન્ડ લગ્ન કરવાની ના પાડે છે. જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. પરિણીતાની પૂછપરછ કરતા તેઓને લગ્નના 17 વર્ષ થયાં છે અને ત્રણ બાળકો છે. 2 વર્ષથી અન્ય વ્યક્તિ સાથે પ્રેમસંબંધ છે જેથી અવારનવાર ઝઘડા થાય છે. પરિણીતા પોતાના પ્રેમી સાથે રહેવા માંગતા હોવાથી બે દિવસ પહેલા પતિને ડરાવી ધમકાવી અને સમાજના રાહે છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા લઈ અને પોતાના પ્રેમી સાથે રહેવા માટે તેને જાણ કરી હતી.
 
પ્રેમી પ્રેમિકાનો ફોન ઉપાડતો નહતો
છૂટાછેડા લઈ ખુશ થઇ અને પ્રેમીને તેને કહ્યું કે મારા છૂટાછેડા થઈ ગયા છે હવે આપણે લગ્ન કરી લઈએ ત્યારે પ્રેમીએ કહ્યું હતું કે "હું કુંવારો છું અને તું ત્રણ બાળકોની માતા છે" મારા પરિવારવાળા સ્વીકારવાની ના પાડે છે. જેથી પરિણીતાના માથે આભ તૂટી પડ્યું હતું. પ્રેમીએ કહ્યું હતું કે મને થોડો સમય આપ જેથી છૂટાછેડા લેતા પહેલા ઘરેથી ભાગી અલગ રૂમ લઈ રહેવા લાગ્યા હતા. છૂટાછેડા લેવાનો સમય આવ્યો ત્યારે પ્રેમી સાથે રહેવા છૂટાછેડા પણ પરિણીતાએ આપી દીધા હતા. પ્રેમીને ફોન કરતા ફોન નહોતો ઉપાડતો કે મળતો પણ ન હતો.
 
પ્રેમીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી
પરિણીતા પ્રેમીના ઘરે પણ પહોંચી હતી ત્યારે પ્રેમીએ તેને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. હું મારા પરિવારથી અલગ થવા નથી માગતો કહી દીધું હતું. હેલ્પલાઇનની ટીમે પણ સમજાવ્યા હતા. પરિણીતા પ્રેમી સામે કરગરવા અને રડવા લાગી છતાં પ્રેમી એકનો બે ન થયો અને લગ્નની ના પાડી દીધી હતી. હેલ્પલાઇનની ટીમે સાંત્વના આપી હતી બાદમાં પરિણીતાને ભૂલ સમજાતા પતિ પાસે પરત જવું હોય તેઓને ફોન કરી જાણ કરી હતી પરંતુ પતિએ અને બાળકોએ સાથે રહેવાની ના પાડી દીધી હતી. પ્રેમીએ દગો આપી છોડી દેતા અને પૂર્વ પતિએ પણ રાખવાની ના પાડતા મહિલાને રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે કાર્યવાહી માટે હેલ્પલાઇનની ટીમે મોકલી આપ્યા હતા.