બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Updated : સોમવાર, 22 જૂન 2020 (19:37 IST)

Interesting Facts - જાણો જગન્નાથજીની રથયાત્રા પાછળની રસપ્રદ કથા

ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારેમાસ જાય છે,પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે. પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોરડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે

જ ગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે એક વાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યાં હતાં. તેમણે પોતાના બંને ભાઈઓને નગરદર્શનની ઇચ્છા જણાવી. શ્રીકૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડયાં અને તેઓ અલગ-અલગ રથ પર સવાર થઈ ગયા. સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ-બહેનો નગરયાત્રા પર નીકળી પડયાં. સુભદ્રાજીની નગરયાત્રાની ઇચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે.

શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગેચંગે રથયાત્રા નીકળે છે. રથ પર સવાર શ્રીકૃષ્ણ, બલભદ્ર અને શુભદ્રાજીનાં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે. રથયાત્રાની ત્રણે મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે. તેની પાછળ એક કથા જોડાયેલી છે. તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા. એક વાર રાજા ઇન્દ્રદ્યુમ્નને ઇચ્છા થઈ કે ભગવાન જગન્નાથ,બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે. આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો. એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા. એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ઠ (લાકડું) તરતું જોયું. તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ઠમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો! પરંતુ એક સમસ્યા ઊભી થઈ, તે હતી યોગ્ય શિલ્પીની શોધ. એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા. વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા. આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે, તે મૂર્તિ તો બનાવશે, પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ. રાજાએ શરતનો સ્વીકાર કર્યો, પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે, તેની પાસે જ એક ઘરમાં મૂર્તિનિર્માણના કામ માટે કાષ્ઠ સાથે જતા રહ્યા. રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે? ઘણાં દિવસો સુધી તે ઘરનાં દ્વાર બંધ રહ્યાં. મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધાપીધા વગર કેવી રીતે કામ કરી શકશે? પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે. મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી, તેથી મહારાજાએ દ્વાર ખોલાવતાં ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા, પરંતુ તેમના દ્વારા અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી. આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયાં. તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે, "હે નરેશ! દુઃખી ન થશો, અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ. મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો."

નારદજીને વરદાન

જગન્નાથની રથયાત્રામાં શ્રીકૃષ્ણની સાથે રાધાજી કે રુક્મિણીની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે તેની પાછળનું અને તેમની મૂર્તિ અંગે એક પૌરાણિક કથા જોડાયેલી છે.

એક વાર દ્વારિકામાં શ્રીકૃષ્ણ રુક્મિણી વગેરેની સાથે શયન કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે-રાધે બોલવા લાગ્યા. મહારાણીઓને આશ્ચર્ય થયું. સવારે જાગ્યા પછી પણ શ્રીકૃષ્ણએ પોતાના મનોભાવ તેમની સમક્ષ પ્રગટ ન કર્યા. રુક્મિણીજીએ બધી રાણીઓને વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની ગોપકુમારી છે, જેને પ્રભુ આપણી આટલી સેવા, નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં પણ ભૂલી શક્યા નથી. રાધાજીની શ્રીકૃષ્ણ સાથેની રાસલીલાઓ અંગે માતા રોહિણી અવશ્ય જાણતાં હશે, તેથી બધી મહારાણીઓએ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને રાસલીલાઓ અંગે વધુ જણાવે. પહેલાં તો માતા રોહિણીએ બહુ ના પાડી, પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વશ થઈને તેમણે કહ્યું કે, "ઠીક છે, પરંતુ પહેલાં સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઊભાં રાખો, કોઈ પણ અંદર ન આવવું જોઈએ, પછી તે કૃષ્ણ કે બલભદ્ર જ કેમ ન હોય!"

માતા રોહિણીએ કથા સંભળાવવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં શ્રીકૃષ્ણ અને બલભદ્ર ત્યાં આવી પહોંચ્યા. જોકે, સુભદ્રાજીએ તેમને દ્વાર પર જ રોકી લીધા, પરંતુ શ્રીકૃષ્ણ અને રાધાજીની રાસલીલાની કથા શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણેયને સંભળાઈ રહી હતી. જે સાંભળીને શ્રીકૃષ્ણ અને બલભદ્ર અદ્વૈત પ્રેમરસનો અનુભવ કરવા લાગ્યા. બીજી તરફ સુભદ્રાજી પણ ભાવવિહ્વળ થઈ ગયાં. એવામાં અચાનક નારદજીના આવવાથી તેઓ પૂર્વવત્ થઈ ગયાં.

નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે, "હે પ્રભુ, તમારા જે મહાભાવમાં લીન મૂર્તિસ્થ રૂપનાં મેં દર્શન કર્યાં છે, તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશાં સુશોભિત રહે" અને પ્રભુએ નારદજીને વરદાન આપતાં તથાસ્તુ કહ્યું.



કોણે શરુ કરી રથયાત્રા ?


અમદાવાદમાં નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા 140  વર્ષ જૂની છે. ત્યારે આ રથયાત્રા કોણે શરુ કરી, કોણે સ્થાપના કરી, અને સરસપુર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું. જૂઓ આ અહેવાલમાં.
 
કોણે શરુ કરી રથયાત્રા ? 
140 વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈ.સ. 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે.
 
જગન્નાથ મંદિરની સ્થાપના કોણે કરી ? 
આ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જુનો છે. આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સારંગજીદાસે કરી હતી. જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભુત છે. સારંગજીદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તી સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો. જેથી તેઓ પુરીથી નીમકાષ્ઠાની બનેલી મૂર્તીઓ લાવ્યા, અને સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ. અષાઢીબીજના દિવસે એટલે કે 1 જૂલાઇ 1978માં પ્રથમ રથયાત્રા યોજાઇ હતી. 
 
કેવી રીતે બન્યું સરસપુર ભગવાનનું મોસાળ ? 
 
140  વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું  મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના રહિશો રથયાત્રામાં જોડાયેલા ભકતોને પ્રેમભાવથી જમાડે છે.