અમદાવાદમાં પર આતંકનો ઓથાર, ફેક કોલ પછી પોલીસ થઈ એલર્ટ
પોલીસ કમિશનરના એલર્ટ મામલે જાહેરનામું અને ગઈ કાલે કંટ્રોલ રૂમમાં આવેલા નનામા કોલથી એક વાત ચોક્કસ છે કે અમદાવાદને રક્તરંજિત કરવા માટે કેટલાક લોકો નાપાક ષડ્યંત્ર રચી રહ્યા છે, દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શંકાસ્પદ પ્રવૃતિઓની આશંકા રહેતી હોય છે. તેવામાં આજે પોલીસને મળેલા એક કોલે પોલીસ વિભાગને દોડતું કરી દીધું. જોકે સમગ્ર ઘટનામાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી ન આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો. સાથે જ લોકોને સતર્ક રહેવા અને ફેક કોલ પર વિશ્વાસ નહીં કરવા સૂચન કર્યું.
એક બાજુ જ્યા અમદાવાદ સહિત રાજ્યભરમાં ચૂંટણીપ્રચારનો માહોલ ચરમસીમાએ છે ત્યારે આજે આવેલા એક નનામા ફોને શહેરના પોલીસકર્મીઓના શ્વાસ અદ્ધર કરી દીધા હતા.આજે વહેલી સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો કે રામોલ અને નારોલ પોલીસ સ્ટેશનને બ્લાસ્ટમાં ઉડાવી દેવામાં આવશે. આ ધમકીભર્યા ફોનના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી.
આ ફોનના કારણે પોલીસ કર્મચારીઓ હરકતમાં આવી ગયા હતા અને ફોન કરનાર શખ્સ કોણ છે તે અંગે તપાસ હાથ ધરી હતી. આ નનામો ફોન શહેરના CTM વિસ્તારમાંથી આવ્યો હોવાનું હાલ જાણવા મળે છે. પોલીસે આ મામલામાં આગળ તપાસ હાથ ધરી છે.