સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર: , સોમવાર, 15 જુલાઈ 2019 (17:36 IST)

કાંકરિયા રાઇડ દુર્ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે :- વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે અમદાવાદમાં કાંકરીયા એમ્યુઝમેન્ટ પાર્કમાં થયેલી રાઇડ દુર્ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.
 
મુખ્યમંત્રીએ રાજ્યમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે નહિ તેની સતર્કતા રાખવાની સૂચનાઓ પણ આપી છે તેની વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતમાં અનેક સ્થાનોએ એમ્યુઝમેન્ટ-એન્ટરટેઇનમેન્ટ પાર્કસમાં આવી રાઇડસ ચાલતી હોય છે. એટલું જ નહિ, આવનારા દિવસોમાં જન્માષ્ટમીના લોક મેળાઓ પણ યોજાશે ત્યાં પણ આવી નાની-મોટી રાઇડસ આવતી હોય છે.
 
વિજય રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યુ કે આવી રાઇડસના પરિણામે કોઇની જિંદગી જોખમાય નહિ તેમજ દુર્ઘટનાઓ થાય નહિં તે માટે પૂરતી ચકાસણી સાથે મંજૂરી આપવામાં આવે તેમજ વખતોવખત ઇન્સ્પેકશન થાય એવી ઝીણવટભરી તકેદારી ધ્યાનમાં લઇ પગલાં ભરવામાં આવશે. મુખ્યમંત્રીએ અમદાવાદની રાઇડ દુર્ઘટના સંદર્ભમાં સંચાલકો સામે પૂરતાં પગલાં રાજ્ય સરકારે લીધા છે તેની પણ જાણકારી આપી હતી. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે કાંકરીયા ખાતે રાઈડ તુટતા બનેલી દુ:ખદ ઘટનામાં બેના મોત 29 લોકો ઈજાગ્રસ્ત થયા બાદ તમામ ઈજાગ્રસ્તોની એલ.જી.હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. એલ.જી.હોસ્પીટલના સુપરીન્ટેન્ડન્ટના જણાવ્યા મુજબ 1 વ્યક્તિની સ્થિતિ હજુ પણ અત્યંત નાજુક છે જ્યારે બાકીના 28 વ્યક્તિની સ્થિતિ હાલ સ્થિર છે. તો સાથે જ તમામ ઈજાગ્રસ્તોની સારવાર વિના મુલ્યે કરાઈ રહી છે.
 
રાઈડ તૂટવાની ઘટનાને લઈને હાલ તો પોલીસે જવાબદારો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ત્યારે જે લોકો હાલ ઈજાગ્રસ્ત થયા છે તેમના પરિવારજનોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. રજાના દિવસે મજા માણવા ગયેલા લોકોને અજાણ્યા વ્યક્તિની ભૂલને કારણે મળેલી સજાને કારણે રોષ તો છે પરંતુ તંત્ર તરફથી હાલ તો મળી રહેલી મફત સારવારને લઈ સંતોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.