સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર: , બુધવાર, 3 જુલાઈ 2019 (11:13 IST)

પાણી- સૌર ઊર્જા–પર્યાવરણ–કિસાન હિતો– રોજગારના ક્ષેત્રોને બજેટમાં પ્રાધાન્ય આપ્યુ છે: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં નાણામંત્રી-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રજૂ કરેલા ર૦૧૯-ર૦ના વર્ષના બજેટને આધુનિક ગુજરાતના નિર્માણનું દિશાદર્શન કરનારૂં ફોકસડ્ બજેટ ગણાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આજે વિશ્વમાં સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની ચર્ચા થાય છે ત્યારે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ -સાતત્યપૂર્ણ વિકાસ વાળા સ્ટેટ તરીકે ગુજરાત દેશમાં જ નહિં, વિશ્વમાં મોડેલ બને તેવા આધાર સાથે આ બજેટ રજૂ થયું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનથી અવિરત વિકાસ કરતું રહ્યું છે અને વિકાસમાં નંબર વન સ્ટેટ છે હવે આપણે સમયની સાથે કદમ મિલાવીને ચાલનારા સસ્ટેઇનેબલ ડેવલપડ ગુજરાતનું મોડેલ પ્રસ્થાપિત કરવું છે. 
 
વિજય રૂપાણીએ બજેટ અંગેની પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટપણે કહ્યું કે હવે એ સ્ટેજ પર ગુજરાત છે કે વોટર મેનેજમેન્ટ, ગ્રીન એન્ડ કલીન એનર્જી, સૌર ઊર્જા, પર્યાવરણ, કિસાનો, યુવાનોને રોજગાર, કૃષિ વિકાસ સૌને વિશ્વ સમકક્ષ વિકાસના સમયાનુકુલ અવસરોથી ગુજરાતનો વિકાસ ઓર નવી ઊંચાઇઓએ પહોચાડવો છે તેની પ્રતિબધ્ધતા આ બજેટમાં વ્યકત થઇ છે.તેમણે કહ્યું કે, રાજ્યમાં લોકોને ઘરે-ઘરે નળથી શુધ્ધ પાણી નિયમીત મળે તેવી વ્યવસ્થાઓ વોટર મેનેજમેન્ટ અંતર્ગત આ બજેટમાં કરી છે. રાજ્યમાં ૭૮ ટકા ઘરોમાં નળ દ્વારા શુધ્ધ પાણી પુરૂં પાડવામાં આવે છે. 
 
ર૦રર સુધીમાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળથી પાણી પુરૂં પાડવા આવનારા ૩ વર્ષમાં રૂ. ર૦ હજાર કરોડ અને આ ૨૦૧૯-ર૦ના એક જ વર્ષમાં રૂ. ૪પ૦૦ કરોડ ખર્ચવાના છીએ. તેમણે ઉમેર્યુ હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠા બનાવવા ૮ ડિસેલીનેશન પ્લાન્ટનું કામ પ્રગતિમાં છે  અને રોજનું ૩૬ કરોડ લીટર પાણી શુધ્ધ પીવાલાયક બનાવવા માટેનું આયોજન બજેટમાં પ્રતિબિંબિત થયું છે. 
 
વોટર મેનેજમેન્ટ જળ વ્યવસ્થાપનને મહત્તા આપતાં જળસંચયના કામો તેમજ મહાનગરોમાં વપરાયેલા ગંદા પાણીનું શુધ્ધિકરણ કરીને રીયુઝ ઓફ ટ્રીટેડ વોટર દ્વારા ઊદ્યોગો, બાગ-બગીચા, ખેતી માટે વપરાશમાં લેવાની બાબતને પણ આ બજેટમાં પ્રાધાન્ય આપ્યું છે. ૩૦૦ MLD ક્ષમતાના આવા પ્રોજેકટ રાજ્યમાં પ્રગતિમાં છે. વિજય રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે વિકાસની નેમને આ બજેટમાં વેગ આપવામાં આવ્યો છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, થર્મલ એનર્જીને ક્રમશ: ઘટાડતા જવાની નેમ સાથે સોલાર એનર્જી અને વિન્ડ એનર્જીનો કોન્સેપ્ટ હવે ગુજરાતમાં વિકસાવવો છે. હાલની રિન્યુએબલ એનર્જીની ક્ષમતાને ર૦રર સુધીમાં ૩૦ હજાર મેગાવોટ સુધી લઇ જવાનું લક્ષ્ય છે. ગુજરાતને સોલાર એનર્જી ક્ષેત્રે દેશને વીજળી પૂરી પાડી શકે તેવું સક્ષમ બનાવવાના આયોજન પણ આ બજેટમાં છે.
 
ગુજરાતના આ બજેટમાં ખેડૂતોના કલ્યાણની દિશા તય કરવામાં આવી છે તેની વિગતો આપતા કહ્યું કે, ર૦રર સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ છે. રાજ્યના ખેડૂતોને વગર વ્યાજે ઝિરો ટકા દરે પાક ધિરાણ સહાય આપવા આ વર્ષે ૯પર કરોડ રૂપિયાની જોગવાઇ બજેટમાં કરી છે. એટલું જ નહિ, આ વર્ષ સુધીમાં કૃષિવિષયક વીજ જોડાણ માટે અરજી કરનારા તમામ ખેડૂતોને વીજ કનેકશન આપી દેવાના છીએ. ખેડૂતોના પાકના સંગ્રહ માટે ગોડાઉન નિર્માણ વ્યવસ્થાઓ તેમજ હવે કિસાન ધોરિયાથી નહિ, ડ્રીપ-સ્પ્રીન્કલર પધ્ધતિથી સિંચાઇ કરી શકે તે માટે ૭પ૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
 
વિજય રૂપાણીએ રાજ્યના શહેરોને સ્માર્ટ સિટીઝ બનાવવા સીસીટીવી નેટવર્ક, ફાટકમુકત ગુજરાત, નગરો-મહાનગરોમાં ફલાય ઓવર તેમજ સ્વચ્છ ભારત મિશન અન્વયે નદી, તળાવોની સફાઇ સાથોસાથ વેસ્ટ વોટર મેનેજમેન્ટ, પાણી, રસ્તા, સ્ટ્રીટલાઇટ જેવી ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ માટે કરવામાં આવેલી જોગવાઇઓની પણ સરાહના કરી હતી. તેમણે આ બજેટ યુવાશકિતને વિપૂલ રોજગાર અવસરો આપનારૂં બજેટ ગણાવતાં એમ પણ જણાવ્યું કે રાજ્યની આવતીકાલ સમા યુવાનોને સમૃધ્ધ અને સશકત બનાવી ‘‘હર હાથ કો કામનો’’ મંત્ર સાકાર કરવાની દિશા લીધી છે. 
 
આગામી ૩ વર્ષમાં ૬૦ હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીમાં તક આપવાના આયોજન ઉપરાંત મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના સહિતની યોજનાઓમાં વ્યાપક રોજગારી, મુદ્રા યોજનામાં સહાય, સખીમંડળોની પ૦ લાખ બહેનોની આર્થિક આવક વૃધ્ધિ માટે રૂ. ૭૦૦ કરોડના ધિરાણ ઉપલબ્ધ કરાવાશે તેની વિગતો આપી હતી. તેમણે સ્કીલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ બધાને જોડીને યુવા રોજગાર માટેની અનેક તકો સરકારે આપી છે.
 
વિજય રૂપાણીએ આ બજેટમાં ૩૦ હજાર કરોડ રૂપિયા શિક્ષણ ક્ષેત્ર માટે ફાળવીને ગુણવત્તાયુકત કે.જી. થી પી.જી. સુધીની શિક્ષણ સુદ્રઢીકરણની નેમ રાખી છે તેમ કહેતા જણાવ્યું કે, સોશિયલ વેલ્ફેર સામાજીક સુરક્ષા, દલિત-વંચિત-પીડિત-શોષિત સૌનો વિચાર કરી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનું સંતુલિત વિકાસપૂર્ણ આ બજેટ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આધુનિક ગુજરાતના નિર્માણની નેમ સાથે આ બજેટ આવનારા સમયમાં ગુજરાતને સમયની સાથે ચાલનારૂં, પર્યાવરણની જાળવણી સાથે સંપૂર્ણ સુવિધાઓ સાથે ચાલનારૂં અને જનતાના સાથ સહકારથી વિશ્વ સાથે ચાલનારા રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરશે.