અમદાવાદમાં ટ્રાફિક મેમોથી બચવા લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો સહારો લીધો
ભારત સરકારના નવા ટ્રાફિક નિયમનના નિયમો બાદ ગુજરાત સરકારે તેમાં ફેરફારો કર્યાં પરંતુ મામલો બીજે ક્યાંક જતો જોવા મળ્યો છે. લોકોની પાસે જરૂરી દસ્તાવેજો નહીં હોવાને કારણે હવે લોકોએ મેમો મળવાના ડરને લીધે પબ્લિક ટ્રાન્સપોર્ટનો સહારો લીધો છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ પેસેન્જર્સે સરકારી બસો દ્વારા અવર-જવર શરૂ કરી દીધી છે. ટ્રાફિક પોલીસે પહેલા જ દિવસે અમદાવાદ શહેરમાંથી અંદાજિત 27 લાખથી વધારેનો દંડ વસૂલ્યો છે. બીજી તરફ છેલ્લા 8થી 10 વર્ષમાં સૌથી વધારે 8 લાખથી વધારે લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો છે. એટલે વાર્ષિક એવરેજમાં આ વર્ષે 13% જેટલો વધારો જોવા મળ્યો છે. આંકડા અનુસાર, સોમવારે AMTSની બસોમાં 80 હજારથી વધારે પ્રવાસીઓ મુસાફરી કરી છે. આટલી મોટી સંખ્યા વેકેશન દરમિયાન પણ જોવા મળતી નથી. ત્યારે બીઆરટીએસ બસમાં પણ અંદાજિત 19થી 20 હજાર લોકોએ મુસાફરી કરી છે. સામાન્ય રીતે બીઆરટીએસમાં પેસેન્જર્સની સંખ્યા ઓછી હોય છે. આ સંખ્યામાં સ્ટુડન્ટ, નોકરીયાત મુસાફરો વધારે જોવા મળ્યા છે. જેમની પાસે પુરતા ડોક્યુમેન્ટ્સ ન હોવાથી ટ્રાફિકના દંડનો શિકાર ન બનવું પડે તે માટે સરકારી બસોનો સહારો લઇ રહ્યા છે. AMTS-BRTSની સાથે સાથે ટેક્સી અને રિક્ષામાં પણ મુસાફરોની સંખ્યા વધી છે.