બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 જૂન 2021 (08:26 IST)

ગુજરાત બોર્ડના ધોરણ-12ના પરિણામની ફોર્મ્યુલા નક્કી, ધોરણ-10ના 50 માર્ક્સ ગણાશે, જુલાઈના બીજા સપ્તાહમાં રિઝલ્ટ આવશે

ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે. સીબીએસઇમાં ધોરણ 10ની પરીક્ષાના કોઈપણ ત્રણ વિષયમાં મેળવેલા હાઈએસ્ટ માર્કમાંથી 40% વેઈટેજ છે. જ્યારે ગુજરાત બોર્ડ એ તમામ વિષયોના માર્ક ગણીને તેને 50% વેઇટેજ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો. ધોરણ 12ની માર્કશીટ કેવી રીતે બનશે તે અંગે શિક્ષણવિદ અને GST એક્સપર્ટ ડો.જયેશ મોદીએ DivyaBhaskarને જણાવ્યું કે, કોઈ વિદ્યાર્થીને ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના 70માંથી 49 માર્ક આવ્યા હોય તો ધોરણ-12ની માર્કશીટમાં ગુણભાર મુજબ તેને 50માંથી 35 માર્ક મળે. તેમજ કોઈ વિદ્યાર્થીને ધોરણ-11ની પ્રથમ કસોટીમાં 50 માર્ક્સમાંથી 38 માર્ક આવ્યા હોય અને બીજી કસોટીમાં 50માંથી 42 આવ્યા હોય તો આમ કુલ 100માંથી 80 મેળવેલ માર્ક થાય. જેની સરેરાશ કરતા 40 માર્ક થાય અને જેના 50 ટકા કરીએ તો 12માંની માર્કશીટમાં 25માંથી 20 માર્ક લખાશે. તેમજ કોઈ વિદ્યાર્થીને ધોરણ 12ના જે તે વિષયની પ્રથમ સામાયિક કસોટીમાં 100 માર્કમાંથી 80 માર્ક આવ્યા હોય અને વર્ષ દરમિયાનની એકમ કસોટીમાં 25માંથી 20 માર્ક આવ્યા હોય તો 125માંથી 100 માર્ક મેળવેલ ગણાય જેના 20 ટકા કરતા 20 માર્ક થાય. જે 25 માર્કમાંથી મેળવેલા ગણાશે. આમ એકંદરે જોવા જઈએ તો 50માંથી 35, 25માંથી 20 અને 25માંથી 20 આમ કુલ 100માંથી 75 માર્ક થાય.જો કે ધોરણ 12માં માસ પ્રમોશન ભલે આપવામાં આવ્યું હોય, પરંતુ ધો.12 સાયન્સના વિદ્યાર્થી માટે મેડિકલ પ્રવેશની નીટ, ઇજનેરી પ્રવેશ માટેની જેઇઇ લેવાશે જ.