રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 નવેમ્બર 2022 (07:20 IST)

AAP ની 17મી યાદી જાહેર , વધુ ચાર ઉમેદવારોના નામની કરી જાહેરાત

aam aadmi party
ગુજરાતમાં આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે ચાર ઉમેદવારોની 17મી યાદી જાહેર કરી છે. આ યાદીની સાથે AAP એ 182 સભ્યોની રાજ્ય વિધાનસભામાં એક સિવાય તમામ સીટો માટે પાર્ટીના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી પાર્ટીએ માત્ર ભાવનગર પશ્ચિમની એક બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા નથી. પાર્ટીએ ખેરાલુ, વિસનગર, માણસા અને પાદરા વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાંથી વડોદરા જિલ્લાની પાદરા બેઠક માટે પક્ષે ઉમેદવારનું નામ બદલી નાખ્યું હતું.
 
નવી યાદી અનુસાર, AAPએ ખેરાલુથી દિનેશ ઠાકોર, વિસનગરથી જયંતિ પટેલ, માણસાથી ભાસ્કર પટેલ અને પાદરાથી સંદીપસિંહ રાજને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આપ માને છે કે ઉમેદવારોને તેમના સંબંધિત મતવિસ્તારમાં જેટલો વધુ સમય મળશે, તેટલો વધુ તેઓ તે વિસ્તારના લોકો સાથે સારો તાલમેલ વિકસાવી શકશે અને તેમની સમસ્યાઓ પણ જાણી શકશે."
 
ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન, 8મી ડિસેમ્બરે થશે મતગણતરી 
ગુજરાતમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્ય રાજકીય હરીફ તરીકે ઉભરી આવવાનો પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટીએ ઓગસ્ટથી જ ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
 
ઇસુદાન ગઢવી પાસેથી આમ આદમી પાર્ટીની આશા
ગુજરાતમાં AAPના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીની જીતનો દાવો કર્યો છે. ઇસુદને 14 નવેમ્બરે દ્વારકા જિલ્લાના ખંભાળીયા મતદારક્ષેત્રમાંથી ઉમેદવારી નોંધાવી હતી. AAPના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 40 વર્ષીય ગઢવીને પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાનમાં 73 ટકા મત મળ્યા છે. ગઢવીને રાજ્ય પાર્ટી એકમના વડા ગોપાલ ઇટાલિયા સામે મુકવામાં આવ્યા હતા, જેમણે પાટીદાર સમાજના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇસુદાન દ્વારકા જિલ્લાના પીપલિયા ગામના એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને તે અન્ય પછાત જાતિ (ઓબીસી) ના છે, જે રાજ્યની વસ્તીના 48 ટકા છે.