બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃષિકા ભાવસાર|
Last Updated : મંગળવાર, 15 નવેમ્બર 2022 (16:10 IST)

કોણ છે આ નવા ચહેરા જેમને ભાજપની ટીકિટ મળી છે, જાણો કેવી રીતે ટીકિટ મળી

payal kukrani
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સૌથી વધુ નવા ચહેરાને સ્થાન મળ્યું છે. જેમાં મોટા ભાગના ચહેરાઓ યુવાન છે અને લોકોની વચ્ચે રહીને લોકપ્રિય થયેલાં છે. જેમાં અમદાવાદની નરોડા વિધાનસભા બેઠક પરથી હાલના ધારાસભ્યની ટિકિટ કાપવામાં આવી છે. તેના સ્થાને યુવા અને શિક્ષિત મહિલા ઉમેદવાર તરીકે સૈજપુર બોઘા વોર્ડના ભાજપના કોર્પોરેટરના પુત્રી ડો. પાયલ કુકરાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વ્યવસાયે ડોક્ટર એવા માત્ર 30 વર્ષીય પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, તેને હું આગળ ધપાવીશ અને ડોક્ટર અને નેતાનો એક જ રોલ હોય છે. સમાજની સેવા કરવાનો અને તેનો મને મોકો આપવામાં આવ્યો છે તેના પર હું ખરી ઉતરીશ.
dk  swami

ભાજપે આ વખતે યુવાઓ પર વધુ ફોકસ કર્યું છે. ભાજપે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ચહેરાઓ ઉતાર્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં જ્યાં ધર્માંતરણની અનેક ફરિયાદો આવી રહી છે ત્યાં ભાજપે સ્વામિનારાયણના સંતને ટિકિટ આપી છે.સ્વામિનારાયણના સંત ડી કે સ્વામીને જંબુસર બેઠક પરથી ભાજપે રણસંગ્રામમાં ઉતાર્યા છે. આમોદના નાહીયેર ગુરુકુળના સંત અને ભરૂચ સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલના સંચાલક ડી કે સ્વામીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવે છે. માત્ર 9 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરનાર દેવકિશોરજી સાધુ એટલે કે ડી કે સ્વામી અનેક વર્ષોથી ભાજપ અને સંઘ સાથે જોડાયેલા છે.
darshana deshmukh

ભાજપે નાંદોદ (ST) બેઠક પર વ્યવસાયે ગાયનેક ડો. દર્શના દેશમુખ (વસાવા)ને ટિકિટ ફાળવી છે. ગુજરાતના બાકીના લોકો માટે ભલે ડો. દર્શના દેશમુખ જાણીતો ચહેરો ન હોય પણ નર્મદા જિલ્લામાં તેમનું નામ જાણીતું છે. તેઓ વર્ષોથી રાજકારણમાં સક્રિય છે. તેઓ રાજપીપળામાં દિવ્ય યોગી હોસ્પિટલ ચલાવે છે. ડૉક્ટર દર્શના દેશમુખ આદિજાતિ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને વન વિકાસ નિગમના ડિરેક્ટર સહિતના હોદ્દા પર રહી ચૂક્યાં છે. આ ઉપરાંત રાજ્યોના ભાજપના પ્રભારી રહી સંગઠનની કામગીરી પણ કરી છે.રાજકોટના ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહને રાજકોટ પશ્ચિમ સીટ પરથી ટિકિટ આપી છે. આ ટિકિટ માટે અનેક દાવેદારો લોબિંગ કરતા હતા, કારણ કે આ સીટ સૌથી લકી સીટ છે. આ સીટ પરથી જ ચૂંટાઈને પહેલીવાર નરેન્દ્ર મોદી ધારાસભ્ય બન્યા હતા અને ત્યાર બાદ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા. જે અહીંથી ચૂંટણી લડે તે મુખ્યમંત્રી કે વડાપ્રધાન બન્યા છે. ડો.દર્શિતા શાહ સતત બે ટર્મથી રાજકોટના ડેપ્યુટી મેયર છે અને જાણીતા MD છે તથા વોર્ડ નં. 2ના કોર્પોરેટર છે. તેમના પિતા PM મોદીના ખાસ મિત્ર હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક સ્વ. ડો.પી.વી.દોશી (પપ્પાજી)નાં પૌત્રી અને ડો. પ્રફુલભાઈ દોશીનાં પુત્રી છે.
rivabaa

જામનગર ઉત્તરથી ભાજપે રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાને ટિકિટ આપી છે. સોશિયલ મીડિયા અને મહિલા વિસ્તારમાં સતત એક્ટિવ રહે છે. તેની સાથે સાથે મહિલાઓને પગભર કરવા માટે પણ ખૂબ કામ કરે છે. રિવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલાં UPSCની તૈયારી કરતાં હતાં. લગ્ન પહેલાં ક્રિકેટ પણ જોતાં નહોતાં પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. તેઓ પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એકમાત્ર સંતાન છે. તેમના પિતા હરદેવસિંહ સોલંકી મૂળ કેશોદ પાસેના બાલાગામના વતની છે. વર્ષોથી રાજકોટના કોઠી કમ્પાઉન્ડમાં રહે છે. તેમને ખેતીવાડી ઉપરાંત ખાંભા અને રાજસમઢીયાળામાં બે સ્કૂલ છે. સાસણમાં ફાર્મહાઉસ અને નવલખી બંદર પર વે-બ્રિજ છે.