શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 ઑગસ્ટ 2022 (19:13 IST)

ગાંભોઈમાં ખેતરમાં જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી, માસુમને સારવાર માટે મોકલાઈ

new born baby
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. આ નવજાત બાળકી જીવિત મળી આવતાં લોકોમાં આશ્ચર્યની સાથે કોઈ ચમત્કાર થયો હોવાની લાગણી ફેલાઈ છે. ઘટનાને પગલે 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી, જ્યાં બાદમાં માસૂમને હાલ હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ છે.

જો કે માસૂમને જીવતી દાટતાં તેનાં માવતર સામે સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી છે.હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં આવેલા GEB પાસેના હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કાંઈક હલતું દેખાતાં તેણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જ્યાં ખોદતાં જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. દાટેલું નવજાત શિશુ જીવિત હોવાની જાણ થતાં લોકોમાં જેને 'રામ રાખે તેને કોણ ચાખે' વાળી ચમત્કૃતિની લાગણી ફેલાઈ હતી. જેના પગલે તાત્કાલિક 108 સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકોએ તેના માવતર સામે ફિટકાર વરસાવ્યો હતો.જીવિત નવજાત શિશુને 108 મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. તો આ અંગે ગાંભોઇ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટવાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.