પ્રવાસ પેકેજના બહાને 21 લોકોના 9.32 લાખ લઇને ટ્રાવેલ્સ એજન્ટ ફરાર
અમદાવાદના બાપુનગરમાં રહેતા વેપારી પાસેથી નિકોલમાં આવેલા ટ્રાવેલ્સ એજન્ટે સાત દિવસ પ્રવાસનું પેકેજ નક્કી કરીને 9.32 લાખ પડાવી લીધા હતા અને વિમાનની ટિકીટ કે પછી રહેવાની સગવડ કરી આપી ન હતી. એટલું જ નહી રૃપિયા પાછા આપવાના બદલે હાથ-પગ તોડીને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસ છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે બાપુનગગર ઇન્ડીયા કોલોની રોડ ઉપર કૈલાસધામ સોસાયટીમાં રહેતા વેપારીએ નિકોલમાં વૃંદાવનપાર્ટી પ્લોટ પાસે એરીએસહાઇટ્સ ખાતે રહેતા અને નિકોલમાં ખોડિયાર મંદિર પાસે શ્રી ક્રિષ્ના ટુરીઝમ નામે વ્યવસાય કરતા મયુરભાઇ હિંમતભાઇ શિરોયા સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી પાસે ફરિયાદીના પરિવારના 21 સભ્યોને સાત દિવસ પ્રવાસ લઇ જવા માટે પેકેજ પેટે રૃપિયા 9.32 લાખ આપ્યા હતા.બે મહિના પહેલા ફરિયાદી વિમાન માર્ગે અમૃતસર ખાતે પહોચ્યા બાદ જાણવા મળ્યું કે એજન્ટે કોઇપણ જાતની રહેવા ખાવા પીવાની કોઇ વ્યવસ્થા કરી ન હતી. ફરિયાદીએ ફોન કરીને પૂછતાં રૃપિયા વપરાઇ ગયા હોવાની વાત કરીને રૃપિયા પરત આપવાની વાત કરી હતી. પરત આવ્યા બાદ ફોન કરતાં તેઓએ હાથ પગ તોડવાની તથા મારી નાખવાની ધમકી આપી હતી અને દુકાન બંધ કરીને નાસી ગયા હતા.