ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 મે 2022 (17:49 IST)

ગુજરાતમાં ‘બાળ વિધાનસભા’નો નવો પ્રયોગ, જુલાઈમાં વિશેષ સત્રનું આયોજન કરાશે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય દ્વારા એક આવકારદાયક પ્રયોગ હાથ ધરવા માટે મંજૂરી માંગવામાં આવી છે. જેમાં આગામી જુલાઈ મહિનામાં વિધાનસભાના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવશે. એક દિવસના આ વિશેષ સત્રમાં ધારાસભ્યની જગ્યાએ 182 બાળકો સ્થાન લશે.નવી પેઢીને લોકશાહીની સમજ આપવા માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે. આ મોક વિધાનસભામાં ગૃહમાં બાળકોને રાખીને કાર્યક્રમ રાખવા માટે મંજૂરી માંગવામાં આવી છે.

આ બાળ વિધાનસભામાં સરકાર અને વિપક્ષની ભૂમિકા બાળકો જ ભજવશે. આ વિધાનસભા સત્ર એટલા માટે પણ મહત્ત્વનું છે કારણ કે, તેમાં વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળના સભ્યો ઉપરાંત વિપક્ષ અને સત્તાપક્ષના ધારાસભ્ય ઉપરાંત વિધાનસભામાં કામ કરતાં કર્મચારીઓની જગ્યાએ ગુજરાતની સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સ્થાન આપવામાં આવશે. જ્યારે વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી સહિતના ધારાસભ્યો પ્રેક્ષેક ગેલેરીમાં જોવા મળશે.આ માટે અમદાવાદની સ્કૂલ દ્વારા 200 જેટલા બાળકો સાથે 182 ધારાસભ્યો બનાવી મોક વિધાનસભાની કાર્યવાહી કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે. જો કે હજુ સુધી વિધાનસભા કાર્યાલય દ્વારા મંજૂરી અપાઈ નથી. અગાઉ કોઈ રાજ્યમાં આવું થયું છે કે કેમ? તેનો અભ્યાસ કરવામાં આવશે. જે બાદ યોગ્ય વિચારણાના અંતે નિર્ણય કરવામાં આવશે.