ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 મે 2022 (11:52 IST)

BJP નેતાઓ-સભ્યોને ચૂંટણી પહેલાં 200 કરોડ રૂપિયા એકઠા કરવાનું ટાસ્ક

gujarat bjp
ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક દરમિયાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને વિધાનસભા ચૂંટણી સુધીમાં ઓછામાં ઓછું 200 કરોડ રૂપિયાનું ફંડ ઉઘરાવવા માટે આદેશ કર્યો છે. પાટીલે તમામ કારોબારી સભ્યોને કહ્યું હતું કે તમારાથી બને એટલું ફંડ પાર્ટી માટે લાવી આપો, જેથી ચૂંટણી સમયે પક્ષ સ્વનિર્ભર બની શકે. કાર્યકરો અને નેતાઓને પોતાના વિસ્તારમાં કે પરિચિત વર્તુળમાંથી વેપારીઓ, ઉદ્યોગકારો, સામાન્ય લોકો કે સંસ્થાઓ પાસેથી ઓછામાં ઓછા 500 રૂપિયા માત્ર ચેકથી લેવાના રહેશે.

બેઠકમાં કારોબારીના ઘણા સભ્યોએ બાદમાં પોતે કેટલા રૂપિયાનું ભંડોળ એકત્ર કરી આપશે એ રકમ પણ નોંધાવી હતી. આ અંગે પ્રદેશ મહામંત્રી રજની પટેલે કહ્યું હતું કે પ્રદેશ સ્તરેથી ચૂંટણી સહયોગ નિધિ ઉઘરાવવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં ભાજપના કાર્યકરો પોતાની રીતે અને અન્ય લોકો પાસેથી આ રકમ માત્ર ને માત્ર પ્રદેશ એકમના એકાઉન્ટના નામે ચેક મારફત જ લેશે. હાલ આમ કોઇ એવો અંદાજ આંકવામાં આવ્યો નથી, પણ મોટા અંદાજ પ્રમાણે 200 કરોડ રૂપિયા અમે આ નિધિ મારફત ઉઘરાવીશું.

આ અગાઉ ભાજપે 2012ની વિધાનસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ધનદાન યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત દરેક કાર્યકર્તાને કોઇપણ નાગરિક પાસેથી ભાજપ માટે પાર્ટી ફંડ લેવાની સૂચના અપાઇ હતી. જોકે એમાં દસ રૂપિયા જેટલી નાની રકમ આ યોજના હેઠળ તૈયાર કરાયેલા ખાસ ગલ્લા જેવા પાત્રમાં ફંડ પેટે લેવાની રહેતી હતી.2017ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયે ગુજરાતની ચૂંટણી માટે કુલ 163.70 કરોડ, જ્યારે પ્રદેશ એકમે 88.5 કરોડ મળીને કુલ અંદાજે 253 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. રાષ્ટ્રીય કાર્યાલયને જે રકમ ચૂંટણી ફંડ માટે મળી હતી એમાંથી 129 કરોડ રૂપિયા ડિમાન્ડ ડ્રાફ્ટ કે ચેક પેટે જ્યારે 3.5 કરોડ રૂપિયા કેશથી ઉઘરાવ્યા હતા. એની સામે ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયે 23.8 કરોડ અને ગુજરાત પ્રદેશ એકમે 106.6 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ખર્ચ પૈકી 83 કરોડ રૂપિયાની રકમ જાહેરાતો અને પબ્લિસિટી માટે, 24.30 કરોડ રૂપિયા પ્રવાસ ખર્ચ પેટે ખર્ચવામાં આવ્યા હતા.2017ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયે ગુજરાતની ચૂંટણી માટે કુલ 163.70 કરોડ, જ્યારે પ્રદેશ એકમે 88.5 કરોડ મળીને કુલ અંદાજે 253 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.