રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 એપ્રિલ 2023 (18:26 IST)

અમદાવાદમાં એક પરિવારે પ્રોપર્ટી ડિલરને છેતર્યો, બાનાખત કરીને 7 લાખ લીધા પછી દુકાન બીજાને વેચી દીધી

Fraud
દુકાન ખાલી કરવાનું કહેતાં જ ત્રણેય જણા ફરિયાદી પર ઉશ્કેરાઈ ગયા હતાં
ફરિયાદીએ દુકાનના માલિક સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
 
અમદાવાદઃ ગુજરાતમાં છેતરપિંડીના અનેક પ્રકારના કેસ નોંધાય છે. આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે. સાયબરક્રાઈમમાં ઠગાઈની અનેક પ્રકારની ફરિયાદો આવે છે. ત્યારે જમીન અને મકાનની લે વેચ બાબતે પણ ઠગાઈના મામલા પ્રકાશમાં આવવા માંડ્યાં છે. અમદાવાદ શહેરમાં એક પરિવારે પોતાના પરિચિતને દુકાન વેચાવા અંગે વિશ્વાસમાં લઈને તેની પાસેથી સાત લાખ રૂપિયા લીધા અને બાનાખત કરાવ્યો ત્યાર બાદ આ દુકાન બીજા વ્યક્તિને વેચીને છેતરપિંડી આચરી છે. આ બાબતની ફરિયાદ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 
 
એડવાન્સ લઈને બાનાખત કરાવી દીધો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ઘોડાસર ખાતે રહેતા પરેશભાઈ ભાવસાર મકાન અને દુકાન લે વેચનું કામ કરે છે. ચંદ્રપ્રકાશ પિરિયા નામના વ્યક્તિ સાથે તેમને મિત્રતાનો સંબંધ છે તેઓ ચંદ્રપ્રકાશના સમગ્ર પરિવાર સાથે નાતો ધરાવે છે. થોડા સમય પહેલા આ ચંદ્રપ્રકાશ પિરિયા તેમની પત્ની અને પુત્ર સાથે પરેશભાઈ પાસે આવ્યા હતાં અને તેમની દુકાન વેચવાની વાત કરી હતી. તેમણે પરેશભાઈને વિશ્વાસમાં લઈને દુકાન આઠ લાખ રૂપિયામાં વેચવાની ડિલ નક્કી કરી હતી. આ પેટે તેમણે એડવાન્સમાં બે લાખ લઈને નોટરાઈઝ કબજા સિવાયનો બાનાખત કરાવ્યો હતો. 
 
બે વર્ષ પછી ખબર પડી કે દુકાન વેચાઈ ગઈ
ત્યારબાદ બીજી એક દુકાન પણ 10 લાખમાં વેચવાનો સોદો નક્કી થયો હતો અને તેના એડવાન્સ પેટે પાંચ લાખ રૂપિયા લીધા હતાં. તેનો કબજા સાથેનો નોટરાઈઝ બાનાખત કરાર કરવામાં આવ્યો હતો. જ્યારે દુકાનનો કબજો આપવાનું કહેતાં જ ચંદ્રપ્રકાશ પિરિયા અને તેમની પત્નીએ દુકાનમાં બહુ બધો માલ ભરેલો છે અને સિઝન છે એટલે થોડા સમય પછી ખાલી કરી આપવાની વાત કરી હતી. આવું વારંવાર થતું હતું. આમ કરીને બે વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હતો. ત્યાર બાદ સામેવાળાના ફોન પણ ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ પરેશભાઈએ તપાસ કરતાં દુકાન તેમણે બીજાને વેચી દઈને વિશ્વાસઘાત થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરેશભાઈએ ઈસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.